કારમાં બ્લેકફિલ્મ લગાવનારી એસેસરીઝ શોપ વિરૂદ્ધ પગલા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: ટ્રાફિક અને આડેધડ ર્પાકિંગના મુદ્દે હાઇકોર્ટે પોલીસને લગાવેલી ફટકાર બાદ ટ્રાફિક નિયમોનું ભંગ કરતાં વાહનચાલકો વિરુદ્ધમાં પગલાં લેવા મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. તો, ગેરકાયદે પાર્કિગને લઇ અસરકારક ઝુંબેશ ચલાવાઇ રહી છે ત્યારે હવે પોલીસે કારમાં બ્લેકફિલ્મ લગાવી આપનારી શહેરની એસેસરીઝ શોપ્સ સામે પણ લાલ આંખ કરી છે અને હવે કારમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ શહેરમાં આવેલી આ પ્રકારની એસેસરીઝ શોપ્સને નોટિસ ફટકારી તેમને બ્લેક ફિલ્મ નહી લગાવવા અને તે બંધ કરી દેવા કડક તાકીદ કરશે.

ટ્રાફિક પોલીસે થોડાક દિવસ પહેલાં કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી, જ્યારે બે દિવસ પહેલાં દારૂ પીધેલા લોકોને પકડવા માટે ડ્રિંક એન્ડ ડ્રાઇવ રાખી હતી. ત્યારે હવે કાર પર બ્લેક ફિલ્મ લગાવનાર કાર એસેસરીઝના માલિકો વિરુદ્ધમાં પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં ૫૦૦ કરતાં વધુ કાર એસેસરીઝના માલિકોને પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ નહીં લગાવવા મામલે નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે.  શહેરના મીરજાપુર, મીઠાખળી અને જજીસ બંગલો રોડ પર કાર એસેસરીઝનું હબ ગણવામાં આવે છે. જ્યાં ૫૦૦ કરતાં વધુ શોપ આવેલી છે.

તમામ શોપમાં બ્લેક ફિલ્મ લગાવવાની કામગીરી થાય છે, ટ્રાફિક ડીસીપી સંજય ખરાતે જણાવ્યું છે કે શહેરમાં બ્લેક ફિલ્મ લગાવી આપનાર એસેસરીઝ શોપના માલિકોને નોટિસ આપવામાં આવશે અને બ્લેક ફિલ્મ નહીં લગાવવા જણાવાશે. નોટિસ મળી ગયા બાદ પણ જો તે લોકો ફિલ્મ લગાવશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન ટ્રાફિક પોલીસે બ્લેક ફિલ્મ દૂર કરવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન એક માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ અંદાજે ર૦૦ થી વધુ કારચાલકો ઝપટે ચડ્‌યા હતા. આજે શહેરના પશ્ચિમવિસ્તારમાં બ્લેક ફિલ્મ અંગે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ ચાલુ રહી હતી.

Share This Article