જિલ્લાના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રકારના મહેસૂલી બાબતોના હુકમો વિતરણ કરવા માટે ‘સરકાર આપના દ્વારે’ના અભિગમથી એકજ સ્થળેથી હુકમોના વિતરણનો છેલ્લા બે મહિનામાં બીજો ઓપન હાઉસ કાર્યક્રમ ટાગોર હોલ, પાલડી ખાતે યોજાયો હતો.
જમીન મહેસૂલનાં વિવિધ હૂકમોનાં વિતરણ માટે યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જમીન-મહેસૂલની તથા ગણોતધારાની વિવિધ કલમો હેઠળના હુકમો, ઈન્ટીમેશન, દાવા પ્રમાણપત્ર, યુ.એલ.સી. વટહુકમ અંતર્ગત હુકમ, સનદનું હાથોહાથ વિતરણ કર્યું હતુ.
૧૧૦૦ જેટલા લાભાર્થીઓને આ હુકમોનું વિતરણ કરતાં મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર સરળતાથી અને ઝડપી-પારદર્શકતાથી પ્રજાલક્ષી કાર્યોનો નિકાલ સ્થળ પર થાય તે માટે કટિબધ્ધ છે. ‘સરકાર આપના દ્વારે’ના અભિગમને ચરિતાર્થ કરતાં હવે પછીના ઓપન હાઉસ કાર્યક્રમ અમદાવાદ જિલ્લાનાં ધારાસભ્યોના મતવિસ્તાર દીઠ યોજી એકપણ લાભાર્થી પોતાનાં હક્કથી વંચિત ન રહી જાય તે દિશામાં રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેની વિગતો તેમણે આપી હતી.
અમદાવાદ શહેર તથા જિલ્લો રાજ્યમાં વધુ વસ્તી ધરાવે છે તેથી સ્વાભાવિક છે કે વધુ કામગીરી રહે છે, છતાં બે મહીનામાં સફળતાપૂર્વક આ બીજો ઓપન હાઉસ કાર્યક્રમ કર્યો છે તે માટે જિલ્લા વહીવટી તંત્રને તેમણે અભિનંદન આપ્યા હતા.
મંત્રીએ કહ્યું હતું કે, પોતાના હક્ક માટે પ્રજાને ધક્કા ન થાય અને પોતાના વિસ્તારમાં જ તેના પ્રશ્નોનો ઉકેલ આવે તે પ્રજાનું સાચું સન્માન છે. પ્રજાનું કામ કેટલું સરળ અને પારદર્શકતાથી થાય છે તે લોકશાહીની સફળતાની પારાશીશી હોય છે. પ્રજાને કેન્દ્રમાં રાખીને અને પ્રજા વચ્ચે રહી લોકહીતનાં કાર્યો કરવાં રાજ્ય સરકાર કટીબધ્ધ છે તેમ જણાવી તેમણે ઉજ્જવલા યોજના, જન-ધન યોજના જેવી યોજનાઓની વિશદ વિગત આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓને જાણી તેનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કરી પોતાને થયેલા સારા અનુભવો અન્ય લોકોને વહેંચવા પણ તેમણે ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી.