અમદાવાદ: મેડિકલમાં ખાસ કરીને એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં હાઇકોર્ટે મેડિકલમાં પ્રવેશ મેળવવામાં ખાસ રાહત અને પ્રાધાન્યતા આપવા દાંદ માંગતી દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કરેલી અરજીને ફગાવી દીધી હતી.
હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે મહત્વનો ચુકાદો આપતાં ઠરાવ્યું હતું કે, માત્ર સારા ટકા હોવાને કારણે દિવ્યાંગ વિદ્યાર્થીને મેડિકલમાં પ્રવેશ મળી શકે નહીં. મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્યુટેબિલિટીના આધાર ઉપર જ તેમને પ્રવેશ આપી શકાય. ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓની માગણી હતી કે સામાન્ય વિદ્યાર્થીઓના મેરીટમાં તેમના નામ હોવા છતાં તેમની અપંગતા ૪૦ થી ૮૦ ટકા વચ્ચે હોવાનું કારણ આપી તેમને મેડિકલમાં પ્રવેશ આપવામાં આવતો નથી.
આ મામલે હાઈકોર્ટે મેડિકલમાં પ્રવેશ આપતા સક્ષમ આધિકારીઓને પણ સાંભળ્યા હતા તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યુ હતું કે દિવ્યાંગ વિદ્યાર્થીની અપંગતા કેટલી અને કેવા પ્રકારની છે તે નક્કી કરવાનો અધિકાર સરકાર-તંત્રનો છે અને તેના આધારે જ તેમને એમબીબીએસમાં પ્રવેશ મળી શકે છે. માત્ર મેરીટ લીસ્ટમાં તેમના નામનો સમાવેશ થયો હોવાને કારણે તેઓ એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માટે લાયક બનતા નથી.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્યુટેબિલિટીના આધાર ઉપર જ તેમને પ્રવેશ આપી શકાય અને તે સ્યુટેબિલિટી નક્કી કરવાનો અને તેના પર નિર્ણય લેવાનો તંત્રને અધિકાર છે. હાઇકોર્ટે એમપણ જણાવ્યું કે, સારા માર્ક્સ અથવા મેરિટમાં હોવાથી મેડિકલ જેવા પ્રોફેશનમાં જવાના પ્રવેશનો માર્ગ ખુલ્લો થતો નથી. ડિસએબિલિટી કયા પ્રકારની અને કેટલી છે તેને જોઈને વિદ્યાર્થીને પ્રવેશ આપવા અંગે નિર્ણય કરવાનો અધિકાર તંત્ર પાસે છે અને તેના આધારે પ્રવેશની અંતિમ બાબત નક્કી થઇ શકે. હાઇકોર્ટના આજના ચુકાદાને પગલે દિવ્યાંગોને સહેજ ઝટકો મળ્યો છે કારણે રાજયની વડી અદાલતે તેમને કોઇ ખાસ રાહત આપી ન હતી.