રાજ્યમાં થઇ રહેલ સર્વાંગી વિકાસને ધ્યાને લઇ માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજૂરી વ્યવસ્થાને રાજ્ય સરકારે અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને ઓન લાઇન મંજૂરી વ્યવસ્થા ગોઠવી છે જેનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આગામી ૭ મી મે, ૨૦૧૮ને સોમવારના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી કરાશે.
રાજયના નાગરિકો તેમજ બાંધકામ જગતના લોકોને પરવાનગી ઓનલાઇન મળે તે માટે ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન વ્યવસ્થા (ODPS) ગોઠવવામાં આવી છે. ઓનલાઇન બાંધકામ પરવાનગી માટે http://ifp.gujarat.gov.in/ પર અરજી કરી શકાશે તેમજ https://townplanning.gujarat.gov.in/ પર અરજી કરવાની પદ્ધતિ અને વ્યવસ્થાની માહિતી ઉપલબ્ધ થશે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને સત્તામંડળોમાં ODPSથી બાંધકામ પરવાનગીમાં અમલીકરણ મંડળ અને પારદર્શક્તા સાથે ડિજીટલ યુગનો પ્રારંભ થશે જેના દ્વારા ૨૪ કલાકમાં બાંધકામ પરવાનગીનો નિર્ણય અને અરજદારને email તથા sms દ્વારા જાણ થશે. ડિજીટલ QR Code થી માનવ હસ્તક્ષેપ વગર નિર્ણયની અધિકૃતતા થશે અને આ વ્યવસ્થામાં GIS ટેક્નોલોજીના ઉપયોગથી વિકાસ યોજના તથા નગર રચના યોજનાના વિભાગીય નક્શાઓ મોકલવામાંથી મુક્તિ મળશે.
મહાત્મા મંદિર ખાતે સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર આ સમારોહમાં ગુજરાતની મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી સત્તા મંડળોના સર્વાંગી વિકાસ માટેના ચેક વિતરણ પણ મુખ્યમંત્રી કરશે. તેમજ નગરપાલિકાઓ ની કામગીરીને વધુ અસરકારક અને લોકાભિમુખ બનાવવા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, ભાવનગર અને વડોદરા ખાતે પ્રાદેશિક મ્યુનિસીપાલિટી કચેરીનો શુભારંભ પણ અત્રેથી તક્તી અનાવરણ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે કરાશે.
ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લીમીટેડ દ્વારા મહિલા સશક્તિકરણ માટે સ્વસહાય જૂથો, નાના ધંધાદારી વ્યક્તિઓ, તેમજ સુક્ષ્મ નાનાઅને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે શરૂ થનાર જી.એસ.ટી. સહેલી પોર્ટલ તથા મહિલા અને યુવાનોને આર્થિક રીતે સશક્ત કરવા મુખ્મમંત્રી ગ્રામોદય યોજનાનો શુભારંભ પણ મુખ્યમંત્રીના હસ્તે બપોરના ૧૨.૩૦ કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાશે.