અમદાવાદ : શાકભાજીના હોલસેલ માર્કેટમાં ડુંગળી હાલ બે રૂપિયે કિલો વેચાઇ રહી છે પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતી આ ડુંગળી શાકભાજી બજારમાં આવતા સુધીમાં દસ ગણા વધારાના ભાવ સાથે પહોંચતા સરવાળે ખોટ ખેડૂતો અને ગૃહિણીઓને પડી રહી છે. શાકભાજી માર્કેટમાં ઉઘાડી લૂંટ અને તગડી નફાખોરીને લઇ એક બાજુ ગૃહિણીઓ ત્રસ્ત છે તો ખેડૂતો પણ માર્કેટયાર્ડમાં જોઇએ તેવા ભાવ નહીં મળી રહ્યા હોવાથી દુઃખી છે, કારણ કે એ જ ડુંગળી છૂટક ભાવે વેચાય ત્યારે દસ ગણા ભાવ વધારા સાથે વેચાય છે. વેપારીઓ અને વેચેટિયાઓ ઉઘાડી લૂંટ અને તગડી નફાખોરી રળી રહ્યા છે ત્યારે મહિલાઓએ આ મામલે સરકારને યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે.
લોકોને ડુંગળી સસ્તામાં મળી શકે તેમ છે, પરંતુ વચેટિયાઓની બેફામ નફાખોરીના કારણે ખેતરથી ઘર સુધી પહોંચતી ડુંગળી મોંઘી થઈ જાય છે. અત્યારે નાસિકથી આવતી ડુંગળી તદ્દન સસ્તી છે, તેની સાથે રાજ્યમાં થતી ડુંગળીના ભાવ વધુ હોવાથી સરેરાશ ભાવ વધુ વસૂલાઈ રહ્યો છે. ડુંગળીના ભાવને વધુ ઘટતા જતા અટકાવવા અને સ્ટોક ક્લિયર કરવા ખેડૂતો પાણીના મૂલે ડુંગળી વેચી રહ્યા છે. નવા વર્ષમાં જ ડુંગળીના ખેડૂતોએ કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મહારાષ્ટ્રભરનાં માર્કેટમાં પણ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતાં વેપારીઓ ખાસ કરીને જૂના ડુંગળી માટે મોટા ડિસ્કાઉન્ટની ઓફર કરી રહ્યા છે. ડુંગળી લાંબો સમય ટકે એમ નહીં હોવાથી તેઓને એક ક્વિન્ટલના રૂ. ૧૦૦થી રૂ.૩૦૦ના ભાવે વેચવામાં આવી રહ્યા છે. એક વાર સોદો થાય એ પછી ખરીદનારને એક ક્વિન્ટલ ડુંગળી ફ્રીમાં આપવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારે તા.૧ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ દરમિયાન વેચાણ કરાયેલ ડુંગળી ઉપર કિલોએ બે રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. ઉનાળામાં લેવામાં આવેલા ડુંગળીના પાકની આવરદા છ મહિનાની હોય છે અને આ ડુંગળી ઓક્ટોબર પહેલાં વાપરી નાખવાની રહે છે.
ડુંગળીના ભાવમાં વધારો થશે એવી ધારણાએ ખેડૂતોએ ડુંગળીનો જથ્થો જાળવી રાખ્યો હતો, પરંતુ ડુંગળીના ભાવમાં ક્યારેય વધારો થયો ન હતો. ડુંગળીના ભાવ બે માસ પહેલાં છૂટક બજારમાં એક કિલોએ પંદરથી વીસ રૂપિયા હતા પણ હવે વધી રહ્યા હોવાથી દેકારો બોલી ગયો છે. હોલસેલના વેપારીઓએ જણાવ્યું કે, નાસિકની ડુંગળી સૌથી સસ્તી છે, પરંતુ સૌરાષ્ટ્રની ડુંગળીની આવક સીમિત છે એટલે સરવાળે ભાવ ઘટાડો હજુ મહિના સુધી શક્ય નથી. આમ, Âસ્થતિનો લાભ છૂટક વેપારીઓ અને વચેટિયાઓ ઉઠાવી રહ્યા છે, જેને લઇને ખેડૂતો પીસાઇ રહ્યા છે તો ગૃહિણીઓ-મહિલાઓ વધુ ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બની છે.