જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લાના નારલા વિસ્તારમાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. જો કે આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયા છે. આ સિવાય સેનાની મહિલા લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ એન્કાઉન્ટર દરમિયાન મોત થયું હતું. પોલીસ એસપીઓ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. શહીદ થયેલા સૈનિકની ઓળખ ૨૧ રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન જસવિંદર સિંહ તરીકે થઈ છે. એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા ત્રણ સુરક્ષાકર્મીઓની ઓળખ સબ ઈન્સ્પેક્ટર મોહમ્મદ અશરફ (એસપીઓ), કોન્સ્ટેબલ મોહમ્મદ રફીક અને કોન્સ્ટેબલ મોહમ્મદ ઈકબાલ તરીકે થઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ બે-ત્રણ આતંકીઓ ફસાયેલા છે. જ્યારે અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો છે, પરંતુ હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં આર્મી ડોગ કેન્ટ પણ શહીદ થયો હતો. સેનાનો બહાદુર કૂતરો આતંકવાદીઓ સામે લડતી વખતે તેના હેન્ડલરને બચાવે છે. કેન્ટ ભાગી રહેલા આતંકવાદીઓની શોધમાં સૈનિકોની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે ભારે ગોળીબારની ચપેટમાં આવ્યો હતો. પોતાના હેન્ડલરની રક્ષા કરતી વખતે, તેણે ભારતીય સેનાની શ્રેષ્ઠ પરંપરાઓનું પાલન કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે કહ્યું કે, રાજૌરીના નરલા ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. તેમણે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં સેના અને જમ્મુ-કાશ્મીર એસઓજી સંયુક્ત રીતે સામેલ છે. માહિતી અનુસાર, સુરક્ષા દળોએ સોમવારે સાંજે તેરેડુના જંગલ વિસ્તારમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ સોમવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બે લોકોની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાતાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ રાત્રીના સમયે બંને શકમંદો અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા. આ પછી, આતંકવાદીઓને શોધવા માટે બંબાલા અને નરલા સહિત રાજોરીના દૂરના વિસ્તારોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ સમાચાર લખાય છે ત્યાં સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ હતો.