ગુરુપૂર્ણિમાના પૂર્વ દિવસો પર શિક્ષકોથી લઈ અને પરમ આચાર્ય સુધીનું સ્મરણ કરાવતી ૮૯૯મી કથાની પૂર્ણાહૂતિસંસારના સમસ્ત ઉહાપોહમાં જે શાંત રહી શકે છે એ આચાર્યનું એક લક્ષણ છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઓંટારિયો સેન્ટર લોસ એન્જલસ-અમેરિકા ખાતે કોરોના પછીની પહેલી કહી શકાય એવી રામકથાનાં નવમા અને પુર્ણાહુતિ દિવસે ઉપસંહારક વાતો કરતા બાપુએ જણાવ્યું કે યોગ વશિષ્ઠ-જે મહા રામાયણ કહેવાય છે ત્યાં ભગવાન રામ જ્યારે થોડાક ઉદાસ થઈ જાય છે,વનમાં ગયા એ વખતે કૈકયી માં ના વચન પર ઉદાસીનતાનું વ્રત લઈ અને ગયેલા. ભગવાનનો સ્વભાવ પણ રહ્યો છે નિરંતર ઉદાસીન રહે.સાચું-ખોટું જે કંઈ દ્વંદ છે એમાં સમજ ન પડે ત્યારે માણસે ઉદાસીન થઈ જવું જોઈએ. ઉદ-આસિન થોડા ઉપર ઉઠવું જોઈએ, થોડુંક લિફ્ટ થઈ જવું જોઈએ.આ ઘણી મોટી અવસ્થા છે જે બધાને પ્રાપ્ત થતી નથી.પછી વશિષ્ઠ સાથે પ્રશ્નોત્તરી થઈ.આપ તો આચાર્ય,ગુરુ,રઘુવંશના કુલ પુરોહિત છો તો પણ જાણવા માગું છું કે જીવન મુક્ત ગુરુ કોણ છે?એટલે કે સંસારમાં રહેવા છતાં જે મુક્ત છે એવા સદગુરુ ગુરુના લક્ષણ મને બતાવો. પછી વશિષ્ઠજી રામને કહે છે કે હે રાઘવ! આપતો બ્રહ્મ છો તો પણ લોકમંગલ માટે પૂછો છો. ત્રણ લક્ષણ બતાવ્યા.જે ખૂબ જ સરળ તરલ છે.યોગ વશિષ્ઠનો એ મંત્ર છે:
શાંત: સંસાર કલન: કલવાનપિ નિષ્કલ: સચ્ચિતોપિ નિષ્તભ્યેત જીવનમુક્ત: ઇત્તઉચ્ચયતે.
ત્રણ લક્ષણ વશિષ્ઠજીએ કહ્યા. સંસારના સમસ્ત ઉહાપોહમાં જે શાંત રહી શકે છે.એ પ્રથમ લક્ષણ છે બધી જ પરિસ્થિતિમાં શાંત રહી શકે,કંઈ પણ થઈ જાય! અને બધી જ કળા હોય,બધી જ વિદ્યા હોય સમસ્ત કળાઓ હોય છતાં પણ નિષ્કળ હોય.વ્યક્તિ પાસે ચિત્ત હોય,સ-ચિત હોય પણ રહેતો હોય એ રીતે જાણે ચિત્ત છે જ નહીં.ચિત્તમાં વિક્ષેપ ન થાય. પ્રથમ લક્ષણ શાંત એવા વિષ્ણુનું છે.બીજું લક્ષણ નિસ્ કળ શિવનું અને ત્રીજું લક્ષણ પણ વિષ્ણુનું છે. ગુરુપૂર્ણિમાનું પર્વ બે દિવસ પછી આવી રહ્યું છે ત્યારે બાપુએ કહ્યું કે પોતાની વિવેક દ્રષ્ટિથી આવા બુદ્ધ પુરુષને આપણે પરખીએ.અને ગુરુને આપણે પારખી પણ ન શકીએ તો જે પણ ગુરુના આશ્રયમાં રહીએ છીએ એનો અપરાધ ક્યારેય ન થઈ જાય એનું ધ્યાન રાખીએ.
બાપુએ જણાવ્યું કે ગુરુપૂર્ણિમાના દિવસો પર તલગાજરડા આવશો નહીં કારણ કે વર્ષોથી અહીં કોઈ ઉત્સવ નથી.આપ જ્યાં પણ હો આપના ગુરુને સ્મૃતિમાં રાખજો.દરેક ગુરુપૂર્ણિમાની પહેલા હું આ કહેતો આવ્યો છું.પોતપોતાના ઘરમાં રહી ગુરુની સ્મૃતિમાં રહેજો.તલગાજરડામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઘણા વર્ષોથી બંધ છે.
બાપુએ કથાને વિરામ આપતા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને જણાવ્યું કે હું કોશિશ કરીશ કે એક વર્ષ પછી ફરી અમેરિકા આવી શકું.આ કથાનું જે કંઈ ફળ છે એ ભૂતકાળના,વર્તમાનનાં અને ભવિષ્યના આચાર્યોને સમર્પિત કરીને કથાને વિરામ આપ્યો.
હવે પછીની ૯૦૧મી-રામકથા આગામી ૨૩ જુલાઈથી ૯૦૧મી અગરતલા(ત્રિપુરા)ખાતે માનસ અતિથીદેવો ભવ વિષય પર શરૂ થઈ રહી છે.આ રામકથાનું જીવંત પ્રસારણ પ્રથમ દિવસ-શનિવારે સાંજે ચાર વાગ્યાથી અને એ પછીના દિવસોથી પૂર્ણાહુતિ સુધી સવારે ૯:૩૦ વાગ્યે આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પરથી થશે.

Share This Article