નવીદિલ્હીઃ કાયદા પંચ દ્વારા ભાજપ પ્રમુખ અમિત શાહની અપીલ બાદ વિચારણા હાથ ધરવામાં આવી છે, ત્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી શક્ય છે કે કેમ તેને લઇને એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. એકબાજુ પોલ પેનલ દ્વારા ૧૭.૪ લાખ વોટર વેરિફાઇબલ પેપર ઓડિટટ્રેલ (વીવીપેટ) માટેનો ઓર્ડર આપી દીધો છે. ૧૩.૯૫ લાખ બેલોટ યુનિટનો ઓર્ડર આપ્યો છે. સાથે સાથે ૩.૯ લાખ કન્ટ્રોલ યુનિટનો ઓર્ડર આપ્યો છે.
લોકસભા ચૂંટણી અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ એમ પાંચ રાજ્યોમાં ચૂંટણીની જરૂરિયાત માટે આ ઓર્ડર આપવામાં આવ્યો છે. ચૂંટણી વર્ષની વાત કરવામાં આવે તો લોકસભાની અવધિ ત્રીજી જૂન ૨૦૧૯ના દિવસે પુરી થઇ રહી છે.
લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે જેમાં મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ જગ્યાઓએ યોજાનાર ચૂંટણીઓને લોકસભાની ચૂંટણી સુધી મોકૂફ રાખી શકાય છે. આ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી શકાય છે. ચાર પૈકીના ત્રણ રાજ્યોમાં ભાજપનું શાસન છે, જ્યારે લોકસભાની અવધિની સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને તેલંગાણાની અવધિ પૂર્ણ થઇ રહી છે. આ પૈકી ત્રણેય રાજ્ય વિધાનસભાને વિખેરી શકાય છે, જ્યારે લોકસભાની ચૂંટણીના છ મહિનાની અંદર જ બીજા રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે તેમાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
એકબાજુ મિઝોરમમાં વિધાનસભાની અવધિ ૧૫મી ડિસેમ્બર ૨૦૧૮, છત્તીસગઢમાં વિધાનસભાની અવધિ ૫મી જાન્યુઆરી ૨૦૧૯, મધ્યપ્રદેશમાં વિધાનસભાની અવધિ ૭મી જાન્યુઆરી ૨૦૧૯ અને રાજસ્થાનમાં વિધાનસભાની અવધિ ૨૦મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પૂર્ણ થનાર છે. આવી જ રીતે આંધ્રમાં ૧૮મી જૂન ૨૦૧૯ અને તેલંગાણામાં ૧૨મી જૂન ૨૦૧૯ના દિવસે વિધાનસભાની અવધિ પૂર્ણ થનાર છે.
વર્તમાન વિધાનસભાની અવધિ પૂર્ણ થવા માટેની તારીખ ખુબ મહત્વપૂર્ણ છે. જે રાજ્યોમાં લોકસભાની બેઠકો વધારે છે તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૮ બેઠકોનો સમાવેશ થાય છે. અહીં ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીના છ મહિનાની અંદર ચૂંટણી યોજાશે જ્યારે આંધ્રમાં ૨૫, ઓરિસ્સામાં ૨૧, તેલંગાણામાં ૭, મધ્યપ્રદેશમાં ૨૯ અને રાજસ્થાનમાં ૨૫ સીટો રહેલી છે. તબક્કાવારરીતે આગળ વધવામાં આવે તો અનેક રાજ્યોમાં લોકભાની ચૂંટણીની સાથે ચૂંટણી યોજાઈ શકે છે.