સુરત શહેરમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત નીપજ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુરત શહેરમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષે યુવકને બે દિવસ સાવ આવ્યા બાદ મોત નીપજ્યું છે. જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ રોગચાળાને કાબુમાં લેવા ઝુંબેશ હાથ ધરી છે. પરંતુ તેમ છતાં શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાના કેસોમાં વધારો થવાની સાથે અત્યાર સુધીમાં ૩૪ લોકોના મોતના નિપજ્યા છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ બાદ પણ રોગચાળો થામવાનો નામ લઈ રહ્યું નહીં. દિન પ્રતિદિન ઠંડી, તાવ, ઝાડા ઉલટી સહિત ડેન્ગ્યુ-મલેરિયાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ સુખી નગરમાં રહેતા ૨૭ વર્ષીય સાગર સુધાકર ઝુંઝારાવ નામના યુવકનું બે દિવસ તાવ આવ્યા બાદ મોત નીપજ્યું છે.

મૂળ મહારાષ્ટ્રના જલગાવના વતની પાંડેસરા લુમ્સ ખાતામાં કામ કરતા સુધાકર ઝુંઝારાવનો ૨૭ વર્ષીય પુત્ર સાગર સુધાકર ઝુંઝારાવને બે દિવસ પહેલા તાવ આવતા નજીકમાં આવેલ હોસ્પિટલ ખાતે પિતા લઈ ગયા હતા. તબીબ દ્વારા સાગરનો રિપોર્ટ કાઢી દવા આપવામાં આવી હતી. પરંતુ ગતરોજ સાંજે વધુ સાગરની તબિયત લથડતા પિતા સારવાર માટે નવી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબએ મૃતક જાહેર કર્યો હતો. મુતક સાગર ઉધના ખાતે સલૂનની દુકાન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આ વર્ષે સાગરના લગ્ન પણ થવાના હતા. સાગરને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. પરંતુ અચાનક બે દિવસ તાવ આવ્યા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો પાંડેસરા પોલીસે મૃતદેહને નવી સિવિલ પીએમ રૂમમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા રોગચાળાને કાબુમાં લેવા માટે શહેર ભરમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સુખી નગરમાં રહેતા લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. રહીશોનું આરોપ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. કર્મચારી દવા કે લોહીના સેમ્પલ લેવા આવતા નથી. ત્યારે રહીશોના આરોપ પ્રમાણે વધી રહેલા રોગચાળા સામે મહાનગરપાલિકાની કામગીરી અહીં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ત્યારે સુરત શહેરમાં રોગચાળાથી અત્યાર સુધીમાં ૩૪ જેટલા લોકોના મોત નીપજ્યા છે. વધી રહેલા રોગચાળાના આંકડાને લઈને સુરત મહાનગરપાલિકા સહિત લોકો ચિંતિત થઈ ગયા છે.

Share This Article