બાળાની જાતીય સતામણીનો વધુ એક કિસ્સો:ધો-૯ની બાળાની સાથે સ્કૂલ વાનના ડ્રાઇવરે અડપલાં કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ:  શહેરમાં માસૂમ બાળકીઓ, બાળા અને યુવતીઓ સાથે જાતીય સતામણી, શારીરિક અડપલાં અને દુષ્કર્મના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે છતાં શહેર પોલીસ તંત્ર દ્વારા કોઇ નક્કર સુરક્ષાચક્ર ઉભુ કરવામાં આવતું નથી.

શહેરના નરોડા મેમ્કો વિસ્તારમાં પણ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જયાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ખુદ સ્કૂલવાનના ચાલકે છેડતી કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાળકીની માતાની ફરિયાદના આધારે નિકોલ પોલીસે આરોપી સ્કૂલવાન ડ્રાઇવર હરીશચંદ્રને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મેમ્કો રોડ પર તેની માતા સાથે રહેતી ૧૪ વર્ષીય વિદ્યાર્થિની નિકોલ વિસ્તારમાં આવેલી સ્થાનિક સ્કૂલમાં જ ધોરણ નવમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સ્કૂલ છુટ્યા બાદ વિદ્યાર્થિની અને અન્ય વિદ્યાર્થીઓ રાબેતા મુજબ, તેમની બાંધેલી સ્કૂલવાનમાં બેસી ગયા હતાં. રાબેતા મુજબની જેમ ગઇકાલે વાનચાલક હરીશચંદ્ર યાદવ તમામ વિદ્યાર્થીઓને તેમના ધરે મૂકી દીધા હતા અને આ માસૂમ વિદ્યાર્થિનીને ઘરે મૂકવા માટે જતો હતો. દરમિયાનમાં સ્કૂલવાનના ડ્રાઇવર હરીશચંદ્રની દાનત બગડતાં તે સ્કૂલવાન નિકોલ વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સના ભોંયરામાં લઇ ગયો હતો. જયાં અંધારાં ભોંયરામાં હરીશચંદ્રએ કુકર્મ કરવાના ઇરાદે વિદ્યાર્થિનીનો હાથ પકડ્‌યો હતો.  જો કે, સ્કૂલવાનના ડ્રાઇવર દ્વારા અચાનક આવી હરકતથી વિદ્યાર્થીની હેબતાઇ ગઇ હતી અને ડરના માર્યા તેણીએ બુમાબુમ કરી હતી. એટલું જ નહી, વિદ્યાર્થીની યેનકેન પ્રકારે વાનનો દરવાજો ખોલીને મેઇન રોડ પર દોડી આવી હતી. જ્યાંથી તે રિક્ષામાં બેસીને ઘરે આવી ગઇ હતી.

વિદ્યાર્થિની ઘરે આવી પોતાની માતાને સઘળી હકીકત જણાવી હતી. જેથી તેની માતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સ્કૂલવાનચાલક વિરુદ્ધમાં ફરિયાદ કરતા પોલીસે વાનચાલક હરીશચંદ્રને ઝડપી લીધો હતો અને સમગ્ર મામલામાં તેની પૂછપરછ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Share This Article