અમદાવાદ : ઓસ્ટિઓપોરોસિસ કસરત અને પોષક આહાર આ “સાઇલન્ટ ડિસીઝ”ને અટકાવે છે ઓસ્ટિઓપોરોસિસ એક એવી બિમારી છે, જેમાં હાડકા નબળા અને પોચા પડી જાય છે. ઓસ્ટિઓપોરોસિસ એવી સ્થિતિ છે, જે હાડકાની નબળાઈ તરફ દોરી જતો હાડકાની સામાન્ય ઘનતામાં ઘટાડો દર્શાવે છે. આ રોગ હાડકાને અસાધારણ રીતે છિદ્રાળુ બનાવે છે, જેના લીધે તેઓ ઇંટ જેવા કઠણ હોવાને બદલે સ્પોન્જ જેવા પોચા થઈ જાય છે. આ રોગ હાડકાંને નબળાં બનાવે છે, જેથી ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે. પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં આ બિમારી વધુ જાવા મળે છે.
એક અંદાજ મુજબ, ૬૧ મિલિયન લોકો આ રોગથી પીડિત છે જેમા ૬૧ ટકા મહિલાઓ છે. દેશમાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતી દર ચારમાંથી એક મહિલા ઓસ્ટિઓપોરોસિસથી પીડિત હોવાનું મનાય છે એમ અત્રે એપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ-ટ્રોમા એન્ડ ઓર્થોપેડિક સર્જન ડો.મૌલિક પટવાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્યકિતના શરીરમાં સામાન્ય હાડકાં પ્રોટિન, કોલેજન અને કેલ્શિમયનાં બનેલા હોય છે. ઓસ્ટિઓપોરોસિસની અસર ધરાવતાં હાડકાં જરાં પડી જવાથી કે ઇજા થવાથી ટૂટી જાય છે. વ્યક્તિને ફ્રેક્ચર ન થાય ત્યાં સુધી આ રોગનો અહેસાસ થતો નથી એટલે એને સાઇલન્ટ ડિસીઝ પણ કહેવાય છે. એક અંદાજ મુજબ, વર્ષ ૨૦૫૦માં દુનિયામાં તમામ ઓસ્ટિઓપોરોટિક હિપ ફ્રેક્ચરમાંથી આશરે ૫૦ ટકા એશિયામાં હશે.
ભારતમાં વર્ષ ૨૦૦૩માં ઓસ્ટિઓપોરોસિસનાં આશરે ૨૬ મિલિયન કેસ હતાં, ત્યારે વર્ષ ૨૦૧૩માં ૫૦ મિલિયન લોકો ઓસ્ટિઓપોરોટિક હતાં કે હાડકાનું ઓછું વજન ધરાવતાં હતાં. ઓસ્ટિઓપોરોસિસ ૫૦ કે વધારે વર્ષની વય ધરાવતા ૫૫ ટકા લોકોમાં જોવા મળે છે એમ ડો.મૌલિક પટવાએ ઉમેર્યું હતું.