નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવતી ચુંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ગુજરાતમાં પાટણ ખાતે ચુંટણી સભા યોજ્યા બાદ મોદી રાજસ્થાનમાં આક્રમક ચુંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. રાજસ્થાનમાં બાડમેર અને ચિત્તોડગઢ ખાતે મોદીએ ચુંટણી સભા સંબોધી હતી. જેમાં મોદીએ કોંગ્રેસ અને વિરોધીઓ ઉપર પોતાના અસલ અંદાજમાં તેજાબી પ્રહાર કર્યા હતા. ચિત્તોડગઢમાં સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ચિત્તોડગઢના કિલાના વિજયસ્તંભની નજીક તેઓ ઉભા છે. વિજયસ્તંભ ખાતેથી અમને વિજયના આશિર્વાદ મતદારો આપે તેમ અમે વિનમ્ર અપીલ કરી રહ્યા છે.
મોદીએ અહીં શ્રીલંકામાં કરાયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે ચોકીદાર દેશની રક્ષાની સાથે સાથે અમારા વીર જવાનો અને વિરાંગનાઓના સંસ્કારોના જતનમાં પણ લાગેલા છે. કોંગ્રેસ પાર્ટીએ તો તેમને ઈતિહાસમાંથી દુર કરવાની તૈયારી કરી લીધી હતી. આજ કારણસર તેમની પાર્ટીએ મહારાણા પ્રતાપના નામ ઉપર ટિકિટ જારી કરવામાં આવી છે. મોદીએ ઉમેર્યું હતું કે કુંભની સ્વચ્છતાની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે. નવા ભારતમાં મજબૂત હિંદુસ્તાનની જરૂર તમામ લોકોને દેખાઈ રહી છે. મજબૂત ભારત જોવા માટે તમામ લોકો ઈચ્છુક છે. રાજસ્થાનમાં થોડાક દિવસ પહેલા જ આંધીતોફાનમાં ઘણા લોકોએ તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. તેમના પ્રત્યે સંવેદના પણ મોદીએ વ્યક્ત કરી હતી. મોદીએ આક્રમક અંદાજમાં કહ્યું હતું કે પોતાના રાજકીય ભવિષ્યને પણ દાવ પર લગાવવા માટે તૈયાર છે પરંતુ દેશને ક્યારેય પણ ઝુકવા દેશે નહીં. સમગ્ર દેશમાં જે લહેર ચાલી રહી છે તે રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. એક એક હિન્દુસ્તાની આ ચુંટણીમાં જવાન બની ચુક્યા છે.
ભારતમાં જ્યાં પણ ગયા છે ત્યાં અભૂતપૂર્વ લહેર જોવા મળી રહી છે. આતંકવાદ સામેની લડાઈને વધુ આક્રમક રીતે લડવામાં તેમના એક મતથી મજબૂતી મળશે. ત્રાસાદને ખતમ કરવા માટે એક એક મતની કિંમત રહેલી છે. ચિત્તોડગઢમાં સંબોધતા તેમણે કહ્યું હતું કે તેમની સરકારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે કમર કસી લીધી છે. પડોશી દેશ શ્રીલંકામાં આજે ઈસ્ટરના પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે ત્રાસવાદીઓએ હુમલા કર્યા હતા અને સેંકડોન સંખ્યામાં, માતા, બાળકો અને બહેનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મોડેથી મોદીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે દેશને મજબૂત કરવાના બદલે કમજાર કરવામાં ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે તેવા વડાપ્રધાન જોવાની ઈચ્છા દરેક ભારતીયની રહેલી છે.
ચિત્તોડગઢ બાદ મોદીએ બાડમેરમાં પણ ચુંટણી સભા યોજી હતી. તેમણે કહ્યું હતું કે ભારતે આજે ચારેબાજુથી હુમલા કરવાની ક્ષમતા વિકસાવી દીધી છે. ભારત દરિયાઈ, જમીન અને આકાશથી પણ હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાનની ધમકીથી ડરવાનું હવે બંધ કરી દીધું છે. પહેલા પાકિસ્તાને હંમેશા પરમાણુ બોમ્બની ધમકી આપી હતી પરંતુ હવે પાકિસ્તાને આવી ધમકી આપવાનું બંધ કર્યું છે. દેશને અને સમાજને વિભાજિત કરવાની ગતિવિધિમાં કોંગ્રેસ પાર્ટી સામેલ રહી છે. તમામ લોકોના સપનાને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ હોવાની વાત પણ મોદીએ બાડમેરમાં કરી હતી. પ્રથમ વખત મત આપનાર લોકોને પણ મોદીએ ખાસ અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે લોકોના મત સીધા તેમના ખાતામાં જશે.