વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચોર આવ્યા. ચોર આવ્યાની બૂમો પડે છે. ત્યારબાદ લોકોના ટોળા એકત્રિત થાય છે. ત્યારે ગત મોડીરાત્રે વારસિયા વિસ્તારમા અડધી રાત્રે બે યુવકને ચોર સમજી નગ્ન કરી 300 લોકોના ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃતક યુવકની માતાએ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું અને જણાવ્યું હતું કે, પોલીસ શું કરતી હતી? અમને ન્યાય જોઈએ છે. આ ઘટનામાં ટોળા સામે મોબ લિચિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, લોકોએ માર માર્યો છે તે બંને રીઢા ગુનેગાર હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે. મૃતક યુવક સામે 10 ગુના અગાઉ ચોરીના નોંધાયેલા છે અને તાજેતરમાં જ પાસામાંથી છૂટેલ છે. ઇજાગ્રસ્ત યુવક પણ 7 ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ટોળા સામે મોબ લિંચિંગ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મૃતક સહિત ત્રણેય શખ્સ ચોરીની બાઈક લઈને ચા પીવા માટે ગયા હતા. પોલીસ બચાવવા ગઈ ત્યારે ત્રણ પોલીસકર્મીને પણ ઈજા પહોંચી છે. આ અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ચોરીની બાઈક અંગે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. ત્રણેય યુવકો પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતો સામાન પણ ઝડપાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, જે વાહન પર આવ્યા ત્રણ યુવક આવ્યા હતા તે વાહન પણ ચોરીનું જ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આજવા રોડથી બાઈક ચોરીને ફતેપુરા આવતા હતા. મદાર મહોલ્લા પાસે ચા પીવા રોકાયા હતા, બાદમાં ઝુલેલાલ મંદિર નજીક લોકોએ રોકીને પૂછતા ભાગવાની કોશિશ કરી હતી. સાંજે બાઈકની ચોરી કરી રાત્રે તે જ બાઈક લઈને ચોરી કરવા ચોર નીકળ્યા હતા.