જોનર કોઈપણ હોય અક્ષય કુમાર દરેક ફિલ્મમાં ફિટ બેસે છે. એક્શન હીરોની ઈમેજની સાથે ૯૦ના દાયકામાં કારકિર્દી શરુ કરનાર અક્કીએ લવ સ્ટોરી ફિલ્મ ‘ધડકન’ અને કોમેડી ફિલ્મ ‘હેરાફેરી’ માં મળેલી સફળતા બાદ પાછું વાળીને જોયું નથી અને એક પછી એક ફિલ્મોમાં સફળતા મેળવવાની સાથે સુપરસ્ટાર સ્ટેટ્સ હાસિલ કરીને ખાન ત્રિપુટીને કોમ્પિટિશન આપવાની સાથે જ, એક ફિલ્મ માટે અક્કી લગભગ રૂપિયા ૧૦૦ કરોડની આસપાસ ફી ચાર્જ કરે છે. વર્ષમાં ચાર ફિલ્મો અને અનેક ખ્યાતનામ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટમાં નજર આવનાર અક્ષય કુમાર ફટાફટ ફિલ્મો કરવાની સાથે ટેક્સ ભરવામાં પણ અવ્વલ છે અને આ વર્ષે અક્ષય કુમારને ટેક્સ ચૂકવીને દેશના વિકાસમાં તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવતા ભારત સરકાર દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ – સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા અક્ષય કુમારનું સન્માન કરવામાં આવ્યું છે. અક્ષયના નામે સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. જેનો ફોટો વાયરલ થયો છે. આ સર્ટિફિકેટમાં અક્ષય કુમાર ભાટિયા તરીકે અક્કીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અક્ષય અત્યારે તેની આગામી ફિલ્મ ‘કેપ્સ્યુલ ગિલ’ ના શૂટિંગ માટે લંડનમાં છે, જેના કારણે આ સન્માન પત્ર તેની ટીમના મેમ્બરને એનાયત કરવામાં આવ્યું હતું. તેમના સાથે સંકળાયેલ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ પહેલીવાર નથી કે અક્ષયનું સન્માન કરવામાં આવ્યું હોય. છેલ્લા પાંચ વર્ષથી ભારતના હાઈએસ્ટ ટેક્સ પેયર્સમાં અક્ષયનું નામ સામેલ છે. તેઓ વર્ષે સૌથી વધુ ફિલ્મો કરે છે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ તેઓ આગળ છે. તેમના માટે આવું સર્ટિફિકેટ મળવું તે કોઈ સરપ્રાઈઝ થવાની ઘટના નથી.
૧૧મી ઓગસ્ટના રોજ અક્ષય કુમારની પારિવારિક મૂલ્યો અને ઈમોશનલ ટચ ધરાવતી ફિલ્મ ‘રક્ષાબંધન’ રિલીઝ થઈ રહી છે. આ સાથે જ, ‘રામ સેતુ’, ‘સેલ્ફી’, ‘ઓહ માય ગોડ ૨’ જેવી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. કારણ કે, અક્ષય એક વર્ષમાં ચારથી પાંચ ફિલ્મોનું શૂટિંગ આરામથી આટોપી લે છે. જે અન્ય એક્ટર્સ માટે વિચારવું પણ અઘરું છે. આ વર્ષે અક્ષયની રિલીઝ થયેલી બંને ફિલ્મો ફ્લોપ રહી છે પરંતુ આ વર્ષે અક્ષયની ‘રક્ષાબંધન’ ની સાથે બીજી બે ફિલ્મો રિલીઝ થાય તેવી શક્યતા છે અને ફેન્સ દ્વારા આ ફિલ્મો સુપર હિટ રહે તેવી આશા સેવાઈ રહી છે.