લખનૌ: આગામી લોકસભાની ચૂંટણીનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વના કાર્ડનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી હવે સોફ્ટ હિન્દુત્વના કાર્ડનો ઉપયોગ કરી રહી છે. સતત મંદિરોના દર્શન કરવાની સાથે રાહુલ ગાંધી હાલમાં જ કૈલાશ માનસરોવરની યાત્રા કરીને પરત ફર્યા છે. પોતાના કેન્દ્રીય નેતૃત્વથી પ્રભાવિત થઇને ઉત્તરપ્રદેશ એકમ પણ આ દિશામાં આગળ વધવા ઇચ્છુક છે. પાર્ટીએ પોતાના કાર્યકરોને મહાત્મા ગાંધીની જ્યંતિ પર ૨૫મી સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી તમામ જિલ્લા મુખ્યાલયોમાં રામધુન પ્રભાતફેરી કાઢવા માટે સૂચના આપી છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે તમામ જિલ્લા અને શહેર એકમ પ્રમુખોને પત્ર લખીને આ અંગે જાણ કરી છે. પોતાના પત્રમાં રાજ બબ્બરે કહ્યું છે કે, ૨૦૧૮માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જ્યંતિ છે. આ અવસર પર રાજ્યભરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી બીજી ઓક્ટોબરને અહિંસા દિવસ તરીકે મનાવશે. રાજ બબ્બરે પત્રમાં કોંગ્રેસ કાર્યકરોને આ કાર્યક્રમોમાં હિસ્સો લેવા માટે સૂચના આપી છે. રામધૂન સાથે પ્રભાત ફેરી યોજવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટી ખુબ જ આક્રમકરીતે ઉત્તરપ્રદેશમાં આગળ વધવા માટે ઇચ્છુક છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી હાલમાં અસ્તિત્વની લડાઈ લડી રહી છે. તેની પાર્ટી ચોથા સ્થાને ફેંકાઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી સન્માનજનક સીટો મળવાની બાબત ઉપર કામ કરી રહી નથી પરંતુ હાલમાં સન્માનજનક મતો મળે તેના ઉપર ધ્યાન આપી રહી છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો મહાત્મા ગાંધીના સાદા જીવન, ઉંચા વિચારના આદર્શ સાથે આગળ વધવા માટે ઇચ્છુક બનેલી છે.