વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદની મેડીસ્ક્વેર સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વ્રારા કેન્સરના રોગ વિશે જાગૃતતા ફેલાવવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. સદવિચાર પરિવાર સાથેની સહયોગિતામાં આયોજિત કરાયેલા આ સેમિનાર કેન્સરના 100થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેઓને શહેરના જાણીતા ડીએમ ઓન્કોલોજીસ્ટ ડૉ. એક્તા વાળા ચંદારાણા દ્વારા કેન્સરના રોગમાં રાખવામાં આવતી તકેદારી, માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવું, દર્દીના પરિવારે દર્દીની સારસંભાળ માટે શું ધ્યાનમાં રાખવુ સહિતની માહિતી પુરી પાડી હતી.
કેન્સર વિહોણા વિશ્વ માટેની નેમ સાથે વિશ્વ કેન્સર દિવસ 2023ની ઉજવણી કરવા માટે આયોજિત આ સેમિનારમાં વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર, જાણીતા લેખક પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, પદ્મશ્રી ડૉ. પંકજ શાહ, જીટીપીએલ ચેનલ હેડ દેવાંગ ભટ્ટ, ડૉ. પાર્થ વૈષ્ણવ, અર્ચના ચૌહાણ, ડૉ. મિતેષ ચંદારાણા, ડૉ. એક્તા વાળા ચંદારાણા અને કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારના સભ્યો એક છત નીચે એકત્ર થયા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપી જાગૃતતા ફેલાવી હતી.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ઓન્કોલોજીસ્ટ ડૉ. એક્તા વાળા ચંદારાણાએ જણાવ્યું, “આજના સમયમાં કેન્સરની સારવાર અનેક રીતે આશાવાદી બની રહી છે, તેમાં પણ શ્રેષ્ઠત્તમ સારવારના ઘણા અવકાશ રહેલા છે. ઓન્કોલોજી ક્ષેત્રે કેન્સરની સારવાર ક્ષેત્રે કેટલીક ચોક્કસ પ્રકારની દવાઓના અભિગમો ઉભરી રહ્યાં છે. હવે કેન્સરના દર્દીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે અને સારા પરિણામો આપી રહેલી ઇમ્યૂનોથેરાપી અને ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ (લક્ષિત સારવાર) જેવી અનેક એડવાંસ્ડ થેરાપીઓ આવી ગઇ છે. આ માટે દર્દીએ સમયાંતરે ડૉક્ટર સાથે કંસલ્ટિંગ કરવું જોઇએ અને તેના વિશે જાણકારી મેળવવી જોઇએ.”
જ્યારે આપણા શરીરમાં કેટલાંક કોષો (સેલ) અનિયંત્રિત રીતે વધવા લાગે છે, તો તે કેન્સરની શરૂઆત હોય છે. આ કોષો એટલા શક્તિશાળી હોય છે કે તે શરીરની સામાન્ય પેશીઓમાં પ્રવેશીને તેને નષ્ટ કરી દે છે. કેન્સરના સામાન્ય લક્ષણોમાં વજનમાં ઘટાડો, તાવ, ઓછી ભૂખ લાગવી, હાડકામાં દુખાવો, ખાંસી કે મોંમાંથી લોહી નીકળવાનો સમાવેશ થાય છે. જો કોઇ વ્યક્તિમાં આવા લક્ષણો દેખાય તો તેણે તુર્તજ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. કેન્સરના રોગમાં સ્તન કેન્સર, કોલેરેક્ટલ કેન્સર, મોં અને ગળાનું કેન્સર, ફેંફસાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સરનો સમાવેશ થાય છે અને તે બાળકથી લઇને વૃદ્ધ સુધીની કોઇપણ વ્યક્તિને થઇ શકે છે.
ડૉ. એક્તા વાળા ચંદારાણાએ વધુમાં જણાવ્યું, “કેન્સર જેવા ભયંકર રોગનો અનુભવ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરી શકે છે. કેન્સરનું નિદાન થયા પછી જીવન પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. સારવાર દરમિયાન અને પછી ભાવનાત્મક તણાવ, અનિશ્ચિતતા અને શારીરિક પીડા દર્દીઓ અને તેમના પ્રિયજનોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તેથી આ સ્થિતિમાં દર્દીએ પોતે અને તેના પરિવારે પણ સકારાત્મક વાતાવરણ જાળવી રાખવું જોઇએ.”
વૈશ્વિક સ્તર પર જાગૃતતા ફેલાવવા માટે કાર્યરત સંસ્થા યૂનિયન ફૉર ઇંટરનેશનલ કંટ્રોલ (યૂઆઈસીસી) દ્વારા વર્ષ 2023માં વિશ્વ કેન્સર દિવસની થીમ ‘ક્લોઝ ધ ગેપ’ રાખવામાં આવી છે. આ થીમના માધ્યમથી કેન્સર સામેની લડાઈ માટે તમામ નાગરિકોને સમાન સંભાળ તથા આરોગ્ય સેવાઓ સુધી યોગ્ય પહોંચની ખાતરી કરવાનનું મિશન ચલાવવામાં આવી રહ્યું છે.