ગાંધીનગર : રાજ્યમાં કાળી ચૌદશ કેટલાય લોકો માટે વસમી નીકળી હતી. રાજ્યમાં સર્જાયેલા વિવિધ અકસ્માતોમાં ચારના મોત થયા હતા અને બેને જ ઇજા થઈ હતી.
રાજ્યમાં કાળી ચૌદસ કેટલાય લોકો માટે વસમી નીકળી હતી. રાજ્યમાં સર્જાયેલા વિવિધ અકસ્માતોમાં ચારના મોત થયા હતા અને બેને જ ઇજા થઈ હતી. દાહોદમાં થયેલા અકસ્માતમાં વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત દેવગઢ બારિયાથી પાવાગઢ રોડ પર સર્જાયો હતો. ભુવાલ ગામે ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. ટ્રેક્ટર પાછળ કાર અથડાતા કારચાલકનું મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. એંગલ ભરીને જતી ટ્રેક્ટરની પાછળ કાર ઘૂસી હતી. કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં કારમાં સવારનું ઘટનાસ્થળે મોત થયું હતું. મૃત્યુ પામનાર દેવગઢ બારિયા તાલુકાના ઉધાવળા ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. તેની સાથે વિદેશી દારૂ ક્યાંથી લવાયો હતો અને ક્યાં લઈ જવાતો હતો તેની પણ તપાસ આદરી છે.
અન્ય અકસ્માત સુરેન્દ્રનગર લીંબડી હાઇવે પર થયો હતો. તેમા બાઇક ચાલકે અડફેટે લેતા રાહદારીનું મોત થયું હતું. લીંબડી સર્કલ નજીક બાઇકચાલકે રાહદારને અડફેટે લીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકનું પંચનામુ કર્યુ હતુ. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લીંબડીમાં બાઇકચાલકો બેફામ વાહન ચલાવે છે અને આ કંઈ પહેલો અકસ્માત નથી. આવા અનેક અકસ્માત થાય છે તે જોતાં તેની સામે કાર્યવાહી કરવી જરૂરી થઈ છે. આ દરમિયાન ખેડા નેશનલ હાઇવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત થયો હતો.
પીપળજ એપીએમસી પાસે બુલેટ ટ્રેનના પિલર પાસે અકસ્માત થયો હતો. ટ્રેલર ડિવાઇડર સાથે અથડાતા ટ્રેલરમાં આગ લાગી હતી. ટ્રેલરની કેબિનમાં આગ લાગતા ડ્રાઇવર ભડથું થયો હતો. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેણે આગ ઓલવી હતી. ડીવાયએસપી સહિત રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જેસીબીની મદદ વડે ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ સિવિલ ખસેડવામાં આવ્યો છે. હજી સુધી મૃતક ડ્રાઇવરની ઓળખ થઈ શકી નથી. બનાસકાંઠાના દાંતામાં ટ્રેક્ટર વીજ લાઇનને અડી જતાં કરંટ લાગ્યો છે. ટ્રેક્ટર પર બેઠેલા બે લોકોને કરંટ લાગ્યો હતો. બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બેમાથી એકનું મોત થયું હતું અને એકની સારવાર ચાલી રહી છે. વસી ગામમાં ઘાસચારો ભરવા જતી વખતે આ ઘટના બની હતી.