રામનગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે. રામલલા મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થાય તેની આખો દેશ રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે રામલલાના ગૃહ પ્રવેશની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર ૨૦૨૩ સુધી પુરુ થઇ જશે. આ પછી ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ એટલે કે મકરસંક્રાંતિના દિવસે રામલલાને મંદિરના ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. વિહીપના પ્રાંતીય મીડિયા પ્રભારી શારદ શર્માએ જણાવ્યું કે રામલલા જલ્દીથી જલ્દી ગર્ભ ગૃહમાં બિરાજમાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધી ગર્ભ ગૃહનું નિર્માણ થઇ જશે. પ્રયત્ન એવો છે કે ૨૦૨૪ના મકરસંક્રાંતિના દિવસે વિધિ વિધાન સાથે રામલલાને તેમના ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે નિર્માણ કાર્ય યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે.
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક રવિવારે સંપન્ન થઇ હતી. ભવન નિર્માણ સમિતિના ચેરમેન નૃપેંદ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રામ જન્મભૂમિ પરિસરમાં ટ્રસ્ટના પદાધિકારી અને એન્જીનિયરોની હાજરીમાં રામ જન્મભૂમિ સ્થિત એલએનટી અને ટાટા કંસલટેન્સી કાર્યાલય પર બેઠક સંપન્ન થઇ હતી. બેઠકના પ્રથમ દિવસના સમાપન પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તરફથી મંદિર નિર્માણના પ્રગતિના કેટલાક ફોટા પણ સાર્વજનિક કર્યા છે. ભગવાન રામલલાના મંદિર નિર્માણ માટે બનાવવામાં આલી રહેલા ચબુતરાનું કામ લગભગ ૯૫ ટકા પુરું થઇ ગયું છે. ૧૭૦૦૦થી વધારે પત્થર રામલલાના મંદિરના ચબુતરામાં લગાવ્યા છે. ચબુતરાની ઉંચાઇ જમીનથી લગભગ ૨૧ ફૂટ છે. રામલલાના મંદિર માટે લાવવામાં આવેલા પત્થરોનું સ્ટાલેશન શરુ થઇ ગયું છે. ૧ જૂને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિરના ગર્ભ ગૃહની નિર્માણનું શિલાપૂજન કર્યું હતું.