શ્રીનગર : કલમ ૩૭૦ને નાબુદ કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સ્વતંત્રતા દિવસના પ્રસંગે જમ્મુ કાશ્મીર પહોંચી શકે છે. ઉચ્ચસ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે અમિત શાહ શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સાથે સાથે એજ દિવસે સામાન્ય લોકોને પણ સંબોધન કરનાર છે. આ પહેલા જ્મ્મુ કાશ્મીરમાં તમામ પંચાયતમાં પણ સ્વતંત્રતા દિવસે તિરંગા ધ્વજને લહેરાવવામાં આવનાર છે.
કાશ્મીર ખીણની અમિત શાહની આ યાત્રાને રાજકીય રીતે પણ એક મોટી યાત્રા તરીકે જોવામાં આવે છે. જો કે સરકારના સ્તર પર હજુ સુધી કોઇ બાબત સપાટી પર આવી નથી. પૂર્વમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિએ કહ્યુ હતુ કે જો કોઇએ કલમ ૩૭૦ સાથે ચેડા કર્યા તો કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવનાર પૈકી કોઇ જીવિત બચશે નહીં. આવી સ્થિતીમાં શાહના આ નિર્ણયને પડકાર ફેંકવાના નિર્ણય તરીકે પણ જો વામાં આવે છે. સુત્રોના કહેવા મુજબ અમિત શાહ ૧૫મી ઓગષ્ટના દિવસે દિલ્હીથી શ્રીનગર જશે. અહીં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા ઉપરાંત અમિત શાહ અહીં કાનુન અને વ્યવસ્થાની સ્થિતી પર વાતચીત કરનાર છે.
આ સંબંધમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓના અધિકારીઓની સાથે બેઠક પણ કરનાર છે. એમ માનવામાં આવે છે કે સ્વતંત્રતા દિવસે કાર્યક્રમ બાદ શાહ અહીં લોકોને સંબોધન પણ કરનાર છે. જો કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી તરફથી આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. પહેલા પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે અમિત શાહ કાશ્મીરમાં શ્રીનગર લાલ ચોક પર ધ્વજ લહેરાવી શકે છે. કાશ્મીરમાં હાલમાં ભારે તંગ સ્થિતી છે. તમામ જગ્યાએ મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.