અમદાવાદ : ઈલેક્ટ્રિક પરિવહનની ગાઢ સમજ અને ભારતમાં ઈલેક્ટ્રિક બસો ૫ લાખ કિ.મી.થી વધુ ચલાવવાના વ્યાવસાયિક અનુભવ સાથે ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ (બીએસઈ/એનએસઈ – ઓલેક્ટ્રા)એ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) સાથે સમજૂતી કરાર કર્યા છે. આ એમઓયુ હેઠળ જીએસઆરટીસી રાજ્યમાં સફળતાપૂર્વક ઈલેક્ટ્રિક બસો ચલાવવામાં ઓલેક્ટ્રા-બીવાયડીના જ્ઞાનનો લાભ લેશે. આમ, બંને પક્ષો સિટી બસ અને ઈન્ટર સિટી બસ દોડાવવાની તકોની ચકાસણી કરશે. ઓલેક્ટ્રા-બીવાયડી મેઈન્ટેનન્સ અને સલામતી પદ્ધતિ સાથે ઈલેક્ટ્રિક બસ ટેક્નોલોજી અંગે જીએસઆરટીસીની ટેકનિકલ ટીમને માહિતી આપશે.
આ એમઓયુ ઓલ્ક્ટ્રા-બીવાયડીના વર્તમાન અનુભવનો લાભ લઈને સ્થાનિક નાગરિકો માટે પ્રદૂષણ મુક્ત જાહેર પરિવહન વ્યવસ્થાના અમલ માટે જીએસઆરટીસીના વિઝનને અનુરૂપ છે. હાલમાં ઓલેક્ટ્રા-બીવાયડી દેશમાં ઈલેક્ટ્રિક બસોના વ્યાવસાયિક સંચાલનના ઉદ્યોગમાં એકમાત્ર કંપની છે.
ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર એન. નાગસત્યમે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ૨ વર્ષમાં, ઓલેક્ટ્રા-બીવાયડીએ સમગ્ર દેશમાં વિવિધ વિસ્તારોમાં તેની ઈલેક્ટ્રિક બસોના સફળતાપૂર્વક સંચાલન દ્વારા દેશમાં ઈલેક્ટ્રિક પરીવહન બજારમાં અનેક સૌપ્રથમ પહેલ હાથ ધરવાની સિદ્ધિ હાંસલ કરી છે. અમને ખાતરી છે કે અમારા પ્રવાસ દરમિયાન અમે જે સમૃદ્ધ અનુભવ મેળવ્યો છે તેના પગલે અમે ગુજરાતમાં મજબૂત ઈલેક્ટ્રિક જાહેર પરિવહન વ્યવસ્થાના અમલમાં જીએસઆરટીસીને મદદરૂપ થવા સક્ષમ બનીશું.’
ઓલેક્ટ્રા-બીવાયડી હાલમાં હિમાચલ રોડવેસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (૨૫ બસ), બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ્સ (૬ બસો) તથા કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (૧૦ બસો) માટે તેની ૯ મીટર લાંબી ઈબસ કે૭ ઈલેક્ટ્રિક બસો ચલાવે છે. વધારામાં કંપનીએ તેલંગાણા રાજ્ય માર્ગ પરીવહન કોર્પોરેશનને પણ ૪૦ બસો પૂરી પાડી છે.
વર્ષ ૨૦૦૦માં સ્થાપિત ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ (જાહેર લીસ્ટેડ કંપની – ઓલેક્ટ્રા) પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે સિલિકોન રબર/કોમ્પોસાઈટ ઈન્સ્યુલેટર્સ માટે ભારતમાં સૌથી મોટી ઉત્પાદક કંપની છે. ઈલેક્ટ્રિક ઉત્પાદનોના સેગ્મેન્ટમાં ૧૭ વર્ષથી વધુના મજબૂત અનુભવ સાથે કંપનીએ બીવાયડી ઓટો ઈન્ડસ્ટ્રી કં. લિ. સાથે જોડાણ કરીને વર્ષ ૨૦૧૫માં ઈલેક્ટ્રિક બસોનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
ઓલેક્ટ્રા-બીવાયડીની અત્યાધુનિક બસો ભારતની સૌપ્રથમ ઈલેક્ટ્રિક બસો છે, જેને ઓટોમોટીવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એઆરએઆઈ) દ્વારા પ્રમાણિત કરાઈ છે. પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રિક બસોનો કાફલો ચલાવતી હોય તેવી દેશમાં આ એકમાત્ર કંપની છે. કંપની તેની ઈલેક્ટ્રિક બસો માટે હૈદરાબાદ નજીક ઉત્પાદન એકમ પણ ધરાવે છે.