વડોદરા : કારેલીબાગ આનંદ નગર સોસાયટી નજીક રોડ પર રખડતા ઢોરના કારણે સિનિયર સિટિઝનને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તનો પુત્ર આજે કોર્પોરેશનના જવાબદાર અધિકારી સામે ફરિયાદ કરવા માટે કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
શહેરમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર નિર્દોષ નાગરિકોને ગંભીર ઇજા થાય છે. કેટલાક કિસ્સામાં તો નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ, કોર્પોરેશનનું તંત્ર કોઇ અસરકારક કામગીરી કરતું નથી. જેના કારણે આવા બનાવો અટકવાનું નામ લેતા નથી. ગત એ ઘડિયાળી પોળમાં રહેતા 64 વર્ષના શૈલેષ ભટ્ટ પૌત્રીને સ્કૂલેથી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓ કારેલીબાગ આનંદ નગર સોસાયટી નજીકથી પસાર થતા હતા. તે સમયે એક પશુ માલિકે પોતાના ઢોર રસ્તા પર દોડાવતા શૈલેષભાઇના મોપેડ સાથે એક ગાય અથડાતા તેઓ જમીન પર પટકાયા હતા. તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓને માથામાં ગંભીર ઇજા થઇ હતી. હાલમાં તેઓની હાલત હજી પણ એવી નથી કે, તેઓ એકલા ઘરની બહાર જઇ શકે. તેમના પુત્રે મેયર, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.