જાણો કેમ એકલવાયા જીવનથી કંટાળીને વૃધ્ધાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનને મદદ માટે કોલ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુરત શહેરના પોશ વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષના વૃધ્ધાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને જણાવ્યું કે મારા પતિનું અવસાન થયું છે અને મારો પુત્ર મને બહાર જવા દેતો નથી જેથી હું કંટાળી ગઈ છું  માટે મદદ કરવા આજીજી કરી હતી.

બનાવની વિગતો એવી હતી કે, શહેરના પોશ વિસ્તારમાં પોતાનું કિલનીક ધરાવતા એક ઉચ્ચ ડોકટરના માતાએ કોલ કર્યો હતો કે, મારે મારા વતન સિધ્ધપુર જવુ છે પરંતુ મારો દિકરો મને જવા દેતો નથી, અને કિલનીકની એક રૂમમાં જ રાખે છે તેના ઘરે પણ લઈ જતો નથી.

કોલ મળતા કતારગામ રેસ્કયુવાન તાત્કાલિક કિલનીક પહોચી હતી. ડોકટર પુત્ર સાથે ચર્ચા કરતા ડોકટરે જણાવ્યું કે મારી માતાને ટી.બી. થયો છે. જેથી અમારા પરિવારના અન્ય સભ્યોને ટી.બી. ન થાય તે માટે કિલનીકમાં રાખુ છું. મારી બિમાર માતા અમારા પરિવાર સાથે રહે તે મારી પત્નીને ન ગમતુ હોવાનું ડોકટરે જણાવ્યું હતું. જેથી તેમને કિલનીકમાં રાખી સ્ટાફ દ્વારા તેની કાળજી લઉ છું.

વૃધ્ધ માતાએ જણાવ્યું કે રૂમમાં એકલા રહીને હું કંટાળી ગઈ છું. મારી સાથે કોઈ વાતચીત કરતુ નથી જેથી મારા વતનમાં રહુ તો મને કુટુંબ સાથે રહેવાનું મળે.

ફરજ પરના કાઉન્સીલરે જણાવ્યું કે ડોકટર સાહેબ સીનીયર સીટીઝનને સારવાર આપો તે જરૂરી નથી આ ઉમરે તેમને કુંટુબનો પ્રેમ અને હુંફની જરૂર હોય છે. તેઓ સતત સહવાસ ઈચ્છતા હોય છે. મહિનામાં બે થી ત્રણ વાર ઘરે લઈ જાવ તો પણ તેમને શાંતિ થાય. મન હળવુ થાય. તેઓને પણ બહાર જવાનું મન થાય. કાઉન્સીલર સાથે પરામર્શથી ડોકટરે સ્વીકાર્યું અને હવે પછી માતાની સંપૂર્ણ કાળજી લેવાની બાહેધરી આપી હતી.

આ ઘટના પરથી જાણવા મળે છે કે, વૃધ્ધ વ્યકિતને ફકત સુખ સગવડ મળે તે જરૂરી નથી. પરંતુ સાથે સાથે તેઓ કુંટુબનો પ્રેમ, લાગણી અને હુંફ પણ ઝંખતા હોય છે. તેમા પણ જો મોટી ઉમરે પતિ કે પત્નીમાંથી કોઈ પણ એકનું અવસાન થાય અને એકલા પડી જાય તો આમ આજના આધુનિક યુગમાં પરિસ્થિતિ ખુબ જ ગભીંર થઈ જાય છે. મા-બાપ પેટે પાટા બાંધીને પોતાના સંતાનોનો ઉછેર કરતા હોય છે. જયારે તેમને પણ વૃધ્ધાવસ્થામાં પ્રેમ અને હુંફ મળે તે જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર બાળકોમાં સંસ્કારોનું સિંચન બાળવયે કરવું જોઈએ.

Share This Article