ભારતમાં તેલ પુરવઠો કોઇ સમસ્યા નથી, કિંમતો વધશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઇરાન ઉપર આગામી મહિનાથી લાગૂ થનાર અમેરિકી પ્રતિબંધ અમલી બને તે પહેલા જ ભારતે કહ્યું છે કે, તેલની ઉપલબ્ધતાની સમસ્યા મોટી નથી પરંતુ એક મોટા તેલ સપ્લાયરને ગુમાવી દેવાના ભયથી ફ્યુઅલની કિંમતો વધી રહી છે અને ભવિષ્યમાં પણ તેમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઇરાન ઉપર અમેરિકી પ્રતિબંધની અસર જાવા મળી રહી છે. ભારતમાં તેલ પુરવઠાની કોઇ સમસ્યા નથી પરંતુ કિંમતો ચોક્કસપણે વધશે. મોટા તેલ સપ્લાયર પણ પ્રતિબંધના કારણે બજારના સેન્ટીમેન્ટ ઉપર માઠી અસર થઇ છે.

ગયા સપ્તાહમાં જ આને લઇને નિષ્ણાતોમાં ચર્ચા રહી હતી. ઇરાનથી તેલ ખરીદવા માટે અમેરિકી પ્રતિબંધોમાં રાહતો માંગવાના પ્રશ્નોને ટાળતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યં હતું કે, આ સંદર્ભમાં દેશના અભિપ્રાયને જાણી ચુક્યા છે. આના ઉપર તેઓ કોઇ ટિપ્પણી કરવા માંગતા નથી. ગયા સપ્તાહમાં જ પ્રધાને કહ્યું હતું કે, બે સરકારી રિફાઈનરીઓએ ઇરાનથી નવેમ્બર માટે ૧.૨૫ મિલિયન ટન ઓઇલની આયાત બુક કરાવી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં ઇરાનની સાથે ૨૦૧૫માં થયેલા ન્યુક્લિયર કરારથી પીછેહઠ કરી દેતા સંબંધો વણસી રહ્યા છે. ત્યારબાદ ટ્રમ્પે ઇરાન ઉપર આર્થિક પ્રતિબંધ મુકી દીધા હતા. ઇરાન ઉપર કેટલાક પ્રતિબંધ છઠ્ઠી ઓગસ્ટના દિવસે લાગૂ કરવામાં આવ્યા હતા. તેલ અને બેંકિંગ સેક્ટરને પ્રભાવિત કરનાર પ્રતિબંધ ચોથી નવેમ્બરતી લાગૂ થશે. આ પ્રતિબંધ લાગૂ થઇ ગયા બાદ ઇરાનથી તેલ ખરીદવ માટે ડોલરમાં ચુકવણી કરવાની બાબત મુશ્કેલરુપ થશે. પ્રધાને ઇન્ડિયા એનર્જી ફોરમમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ક્રૂડની ઉપલબ્ધતાનો કોઇ મુદ્દો નથી  પરંતુ દુનિયાના અલગ અલગ હિસ્સામાં જીયો પોલિટીકલ અને અનિશ્ચિતતાની સ્થિતિ રહેલી છે જેથી મામલો સેન્ટીમેન્ટનો બની ગયો છે. આ એક પ્રાથમિક પડકાર છે. માર્કેટમાં હજુ સેન્ટીમેન્ટ એવી છે કે, એક મોટા તેલ ઉત્પાદક દેશથી સપ્લાય થશે નહીં. આના પરિણામ સ્વરુપે તેલ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ ક્રૂડની કિંમત ૮૬.૭૪ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગઈ હતી જે ચાર વર્ષની ઉંચી સપાટી છે.

પ્રધાને એમ પણ કહ્યું હતું કે, તેલ ઉત્પાદક ગ્રુપ ઓપેકની આ જવાબદારી છે કે, તે બજારમાં સ્થિરતા જાળવી રાખે. આનાથી તેલ આયાતકારો અને નિકાસકારો બંનેને ફાયદો થશે. પ્રધાને કહ્યં હતું કે, જૂન મહિનામાં ઓપેકે દરરોજ ૧૦ લાખ બેરલ ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત રશિયા અને સાઉદી અરેબિયાએ પણ તેલ ઉત્પાદનમાં વધારો કર્યો હતો. ઓપેકના કેટલાક દેશ હજુ પણ પોતાના ટાર્ગેટથી પાછળ છે.

 

Share This Article