અમદાવાદ : ભારત જેવા ઝડપથી વૃધ્ધિ પામતા અર્થતંત્ર માટે ઉર્જાની જરૂરિયાત ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વધી રહી છે. પીએસયુ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ અને ડિઝલની વધતી માંગના સંદર્ભમાં રિટેલ આઉટલેટ (પેટ્રોલ પમ્પ) નેટવર્ક વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું છે. પેટ્રોલ અને ડિઝલના રિટેલ વેચાણો વાર્ષિક અનુક્રમે આઠ ટકા અને ચાર ટકાના દરે વધી રહ્યાં છે ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખી નવા હાઈવેઝ, કૃષિ પોકેટ્સ અને ઔદ્યોગિક ક્ષેત્રો જેવા ઉદભવી રહેલા બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ એમ ત્રણેય ઓઇલ કંપનીઓ દ્વારા ગુજરાતમાં લગભગ ૪૫૦૦ નવા પેટ્રોલ પમ્પ(રિટેલ આઉટલેટ) સ્થાપવાની દિશામાં કવાયત હાથ ધરી છે.
આ માટે ઇતિહાસમાં સૌપ્રથમવાર ત્રણેય ઓઇલ કંપનીઓ દ્વારા રિટેલ આઉટલેટ માટેની સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઇન અને પારદર્શી રીતે હાથ ધરવામાં આવશે એમ આઇઓસીએલના ગુજરાત રાજયના એકઝીકયુટીવ ડાયરેકટર એસ.એસ.લાંબા અને આઇઓસીએલના જનરલ મેનેજર વી.સી.અશોકને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ઉપરાંત, દાદરા નગર હવેલી અન દીવ પ્રદેશમાં પણ નવા રિટેઇલ આઉટલેટ(પેટ્રોલપંપ) ખોલવાનું ત્રણેય કંપનીઓનું આયોજન છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં ૨૩૫૦, દાદરા અને નગર હવેલીમાં ૨૧ તેમજ દમણ અને દીવમાં ૧૬ મળીને કુલ ૨૩૮૭ નવા પેટ્રોલ પંપ(આઉટલેટસ)ખોલવા ઇચ્છે છે. બીપીસીએલ ગુજરાતમાં ૯૯૮, દાદરા અને નગર હવેલીમાં ૮ તેમજ દમણ અને દીવમાં ૫ મળીને કુલ ૧૦૧૧ નવા પેટ્રોલ પંપ(આઉટલેટસ) ખોલવા ઇચ્છે છે.
એચપીસીએલ ગુજરાતમાં ૧૧૦૨, દાદરા અને નગર હવેલીમાં ૧૯ તેમજ દમણ અને દીવમાં ૧૧ મળીને કુલ ૧૧૩૨ નવા પેટ્રોલ પંપ(આઉટલેટસ) ખોલવા ઇચ્છે છે. આમ, રાજયમાં લગભગ ૪૫૦૦ની આસપાસ નવા પેટ્રોલપંપ ખોલવાનું આયોજન છે. આ વખતે સમગ્ર પ્રક્રિયા સરળ કરી નાંખવામાં આવી છે. જમીન ના હોય તેવા પેટ્રોલપંપ ખોલવા ઇચ્છતા લોકોને સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી રહે તેવું આયોજન કર્યું છે. તો, શૈક્ષણિક લાયકાતનો ક્રાયટેરિયા પણ ઘટાડી ધોરણ-૧૦ પાસ સુધી કરાયો છે, જેથી મહત્તમ લોકો ભાગ લઇ શકે. આ પ્રસંગે બીપીસીએલનાં સ્ટેટ હેડ સાઈબલ મુખરજી, એચપીસીએલનાં ચીફ જનરલ મેનેજર રાજેશ મેહતાનીએ જણાવ્યું કે, શહેરી અને નેશનલ હાઇવેઝની સાથે સાથે રાજયના અંતરિયાળ અને અતિ દૂરના વિસ્તારમાં પણ રિટેલ આઉટલેટ નેટવર્કનું વિસ્તરણ કરવાનું નક્કી કરાયું છે. આ નવા પેટ્રોલપંપો ખુલવાના કારણે અને નેટવર્કનાં વિસ્તરણથી રોજગારીનું પણ સર્જન થશે. ડિલર પસંદગીની પ્રક્રિયામાં અરજદારોએ ઓછામાં ઓછા ડોક્યુમેન્ટસ જોડવા પડે તેની પણ કાળજી લેવામાં આવી છે. માત્ર પસંદગી પામેલા ઉમેદવારે જ વિવિધ ડોક્યુમેન્ટસ સબમીટ કરવાના રહેશે. વિજ્ઞાપનમાં દર્શાવેલા સ્થળમાં જમીનની ઉપલબ્ધી મહત્વની જરૂરિયાત છે. જમીન નહિં ધરાવતા અરજદારો પણ અરજી કરી શકે છે, કે જેમા તેમણે જણાવવામાં આવે ત્યારે જમીન ઓફર કરવાની રહેશે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓની રિટેલ આઉટલેટ ડિલર સિલેકશન પ્રક્રિયામાં પ્રથમવાર વધુ પારદર્શિતા માટે સ્વતંત્ર એજન્સીનાં સંચાલન હેઠળ કોમ્પ્યુટરાઈઝડ ડ્રો ઓફ લોટ્સ / બીડ ઓપનિંગ યોજાશે. તમામ રિટેલ આઉટલેટસનું ઓટોમેશન સાથેની લેટેસ્ટ ટેકનોલોજી વડે બાંધકામ કરવામાં આવશે. ઉદ્યોગ સાહસિકો માટે રિટેલ આઉટલેટ ડિલરશીપ ઘણી સારી તક પુરી પાડે છે અને ફોરચ્યુન ૫૦૦ કંપનીઓ સાથે જોડાવાની તક પણ આપે છે. રસ ધરાવતા ઉદ્યોગ સાહસિકો વિજ્ઞાપન અને બ્રોશર અધિકૃત વેબસાઈટ પેટ્રોલપંપ ડિલરચયન.ઇન પર જોઈ શકે છે એમ તેમણે ઉમેર્યું હતું.