ન્યુક્લિયર પાકિસ્તાન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સોમવાર મોડી રાતથી પાકિસ્તાને પોતાના હવાઇ ક્ષેત્રને તમામ પ્રકારના બિન સૈન્ય વિમાનો માટે ખોલી દેવાની જાહેરાત કરી હતી. આની સાથે જ ફેબ્રુઆરીમાં ભારતીય હવાઇ દળ દ્વારા કરવામાં આવેલા બાલાકોટ હવાઇ હુમલા બાદ જારી પ્રતિબંધનો અંત આવી ગયો છે. ભારતે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં ત્રાસવાદીઓના અડ્ડાઓને ફુંકી માર્યા બાદ પાકિસ્તાને તેના હવાઇ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા વગર ભારતના વિમાનો લાંબા રૂટથી ઉંડાણ ભરી રહ્યા હતા. પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાં ભારતીય ઉડાણો પર લાગુ પ્રતિબંધ હવે દુર થતા ભારતને પણ મોટી રાહત થઇ છે.

આના કારણે સૌથી વધારે રાહત તો એર ઇન્ડિયાને થનાર છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં જતી ફ્લાઇટોને લાભ થશે. અમેરિકા અને યુરોપ જતા વિમાનોને હજુ સુધી બીજા રૂટ લેવાના કારણે આશરે ૪૯૧ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ  હતુ. દ્ધિપક્ષીય સંબંધોને ફરી સુધારી દેવાની દિશામાં આને ઉપયોગી પહેલ તરીકે ગણવામાં આવે છે. જો કે સંબંધોને સામાન્ય બનાવવા માટેની બાબત સરળ રહેશે નહીં. કારણ કે પાકિસ્તાનની કેટલીક સૈન્ય તૈયારી માત્ર ભારતને જ નહીં બલ્કે સમગ્ર દુનિયામાં ચિંતામાં મુકનાર તરીકે છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારો અને મિસાઇલને ઝડપથી વધારી દેવાની ગતિવિધીમાં વ્યસ્ત છે. તેના શસ્ત્રગારમાં તે વધારા કરવાને લઇને ઉત્સુક છે. આંતરરાષ્ટ્રીય મુલ્યાંકન મુજબ પાકિસ્તાનની પાસે હાલમાં ૧૪૦-૧૫૦ એટમી હથિયારો રહેલા છે.

જ્યારે ભારતની પાસે ૧૩૦-૧૪૦ હથિયારો રહેલા છે. હથિયારોને વધારી દેવા માટેની તેની ગતિ હમેંશા એક સમાન ઝડપી રહે છે. યુરેનિયમ સંવર્ધન અને પ્લુટોનિયમ ઉત્પાદન સુવિધાના વિસ્તરણ સાથે તે આગળ વધી રહ્યુ છે. કેટલાક જાણકાર લોકો માની રહ્યા છે કે પાકિસ્તાનના પરમાણુ ભંડારમાં ૨૦૨૫ સુધી હથિયારોની સંખ્યા વધીને ૨૨૦-૨૫૦ સુધી પહોંચી જશે. સ્વીડનની સંસ્થા દ્વારા પણ કેટલાક રિપોર્ટ જારી કર્યા છે. જેના તારણ ચોંકાવનારા છે. સંસ્થાના હથિયારોના નિશસ્ત્રીકરણ અને શસ્ત્ર નિયંત્રણ કામગીરીની સંસ્થાના વડાએ કહ્યુ છે કે દુનિયાભરમાં પરમાણુ હથિયારોની સંખ્યા ઘટી રહી છે. જો કે દક્ષિણ એશિયામાં પરમાણુ હથિયારોની સંખ્યા વધી રહી છે. તેમના કહેવા મુજબ વર્ષ ૨૦૦૯માં ભારતની પાસે ૭૦ જેટલા અને પાકિસ્તાનની પાસે ૬૦ જેટલા પરમાણુ હથિયારો હતા. જે હવે અનેક ગણા થઇ ગયા છે. છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં હથિયારોની સંખ્યા અનેક ગણી વધી ગઇ છે.

પાકિસ્તાન પોતાના હથિયારોના ફેલાવાને ભારતને ધ્યાનમાં લઇને આગળ વધારે છે. તે બાબતથી તમામ લોકો વાકેફ છે. તમામ જાણકાર લોકો કહે છે કે પાકિસ્તાન એક ખતરનાક દેશ છે. તેની પાસે પરમાણુ હથિયારો છે. જેથી જો ત્રાસવાદીઓના હાથમાં આવા ઘાતક હથિયારો આવી જાય તો પરિણામ ખતરનાક બની શકે છે. પાકિસ્તાની સેનાના સ્થળોને અનેક વખત ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવી ચુક્યા છે.

Share This Article