નવીદિલ્હી : નાણામંત્રી અરુણ જેટલીએ આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ટિકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૮થી લઇને ૨૦૧૪ વચ્ચેના ગાળામાં અંધાધૂંધરીતે લોન આપવાના મામલે બેંકો ઉપર અંકુશ મુકવામાં કોઇ સફળતા હાથ લાગી ન હતી. તેમણે કહ્યું હતું કે, બેંકિંગ ઇન્ડસ્ટ્રીમાં હાલની એનપીએ કટોકટી અથવા તો વર્તમાન બેડલોનની સમસ્યા માટે વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૪ વચ્ચે આપવામાં આવેલી અંધાધૂંધ લોન રહેલી છે. યુપીએ સરકારના ગાળા દરમિયાન આ અંધાધૂંધ લોન આપવામાં આવી હતી. જેટલીએ કહ્યું હતું કે, કૃત્રિમરીતે સ્થિતિને સારી બતાવવા માટે આ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી હતી. આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે હાલમાં કેટલાક મુદ્દાઓને લઇને ખેંચતાણ ચાલી રહી છે ત્યારે જેટલીએ આ મુજબની પ્રતિક્રિયા આપી છે.
જેટલીએ આ વાત એવા સમયે કરી છે જ્યારે કેન્દ્રીય બેંકની સ્વાયતત્તાને લઇને નાણામંત્રાલય અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય દ્વારા શુક્રવારના દિવસે કહેવામાં આવ્યું હતુંકે, કેન્દ્રીય બેંકની સ્વતંત્રતાની અવગણના કરવાની બાબત ખુબ ઘાતક સાબિત થઇ શકે છે. તેમની આ ટિપ્પણીને રિઝર્વ બેંકના નીતિગત વલણમાં નર્મી લાવવા અને તેની શક્તિને ઓછી કરવા માટે સરકારના દબાણ અને કેન્દ્રીય બેંક તરફથી તેના જવાબ તરીકે જાવામાં આવી રહી હતી. યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ તરફથી આયોજિત ઇન્ડિયા લીડરશીપ સમિટમાં જેટલીએ કહ્યું હતું કે, વૈશ્વિક આર્થિક સંકટ બાદ ૨૦૦૮થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે બેંકોને પોતાના દરવાજા ખોલી કાઢવા અને અંધાધૂંધરીતે લોન આપવા માટે કહેવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, રિઝર્વ બેંકની નજર બીજી જગ્યા પર કેન્દ્રિત હતી. તે ગાળા દરમિયાન અંધાધૂંધરીતે લોન આપવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, તત્કાલિન સરકાર બેંકો ઉપર લોન આપવા માટે ભાર મુકી રહી હતી. જેના લીધે એક વર્ષમાં લોનમાં ૩૧ ટકાનો વધારો થયો હતો. આ ૩૧ ટકાનો વધારો એ વખતે થયો હતો જ્યારે સરેરાશ વધારો ૧૪ ટકાની આસપાસનો હતો. આચાર્યએ મુંબઈમાં શુક્રવારના દિવસે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આરબીઆઈ બેંકના ખાતાને મજબૂત કરવાની કામગીરીમાં વ્યસ્ત છે. આવી Âસ્થતિમાં તેઓએ જાહેર ક્ષેત્રની બેંકોના વધુ સારા તરીકાથી નિયમન માટે આરબીઆઈને વધારે શક્તિ આપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વ્યાપક સ્તર પર નાણાંકીય અને આર્થિક સ્થિરતા માટે આ પગલા જરૂરી છે. જેટલીએ આચાર્યના ભાષણ અથવા તો તેમના મંત્રાલય તેમજ આરબીઆઈ વચ્ચે ખેંચતાણને લઇને ટિપ્પણી કરી ન હતી. નાણામંત્રી અગાઉ કહી ચુક્યા છે કે, કોઇપણ ગેરરીતિ માટે રાજનેતાઓને પરોક્ષરીતે ટિકા ટિપ્પણીનો સામનો કરવો પડે છે પરંતુ નજર રાખનાર લોકો સરળતાથી બચી જાય છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, સુધારાની દિશામાં સરકાર દ્વારા લેવામાં આવેલા યોગ્ય પગલાના લીધે આવકમાં ઉલ્લેખનીય વધારો થયો છે.
નાણામંત્રીએ કહ્યું હતું કે, તેમને પોતાનો અંદાજ છે કે, ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે અમે કરવેરાની જાળને બે ગણી કરવામાં સફળ થઇ જઇશું. આવકમાં વધારાના પરિણામ સ્વરુપે સ્થિતિ મજબૂત થઇ રહી છે. અસંગઠિતરીતે કામ કરી રહેલા એકમોને સંગઠિત ક્ષેત્રની હદમાં લાવવામાં મદદ મળી છે. નોટબંધી, જીએસટી અને ડાયરેક્ટ ટેક્સમાં સુધારાના લીધે આ બાબત શક્ય બની છે. તેમણે કહ્યું હતું કે, નોટબંધી એક ખુબ કઠોર પગલું હતું પરંતુ આનાથી અમને એ બાબત સ્પષ્ટ કરવામાં મદદ મળી છે કે, અમારો ઇરાદો અર્થવ્યવસ્થાને સંગઠિતરુપમાં લાવવાનો છે. નાણાંકીય નીતિ સમીક્ષાને લઇને આરબીઆઈ દ્વારા વિવિધ પાસા ઉપર વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણના સમાચાર આવી રહ્યા છે. શુક્રવારના દિવસે મુંબઈમાં ઇડી શ્રોફ મેમોરિયલ લેક્ચરમાં આચાર્ય આરબીઆઈ માટે વધુ સ્વાયતત્તા આપવાની માંગ કરી હતી. જેટલીએ કહ્યું છે કે, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાના પરિણામ સ્વરુપે સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયો છે.