અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરની તમામ જિલ્લાની આરટીઓમાં સેન્સર બેઇઝ ટેસ્ટ ડ્રાઇવ ટ્રેકની કામગીરી માટે અત્યાર સુધી કાર્યરત ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટને રદ કરી દેવામાં આવ્યો છે. હવેથી ટેસ્ટ ડ્રાઇવ ટ્રેક ઉપર આરટીઓના જ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ આ કામગીરી સંભાળશે. જા કે, આરટીઓ તંત્ર ઘડીકમાં ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપે અને તે કૌભાંડમાં સંડોવાય એટલે કોન્ટ્રાક્ટ બંધ કરે, છાશવારે આરટીઓ તંત્રના નાટકો ચાલુ રહે છે, તેને લઇ નાગરિકોમાં ખાસ કરીને વાહનચાલકોમાં રોષની લાગણી ઉઠવા પામી છે. આરટીઓનું તંત્ર વધુ સરળ બનાવવાના બદલે મસમોટી જાહેરાતો અને દેખાડા કરવામાં વધુ જટિલ અને ગૂંચવણભર્યુ ખુદ આરટીઓ સત્તાવાળાઓ જ બનાવી રહ્યા છે, તેવુ એક ચિત્ર પણ સામે આવી રહ્યું છે.
ખાનગી કોન્ટ્રાક્ટના સ્ટાફ સામે ભ્રષ્ટાચાર અને ડ્રાઇવિંગ ટેસ્ટ વિના બારોબાર લાઇસન્સ ઇશ્યૂ કરી દેવાતાં હોવાની વ્યાપક ફરિયાદોના પગલે ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરીને ખુદ આરટીઓને જ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક ડ્રાઇવનો હવાલો સંભાળી લેવાની ફરજ પડી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર માત્ર સ્થળ પર હાજર રહીને નિરીક્ષણ કરતા હતા. ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયા પછી ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા પછી વહીવટથી અરજદારને પાસ કરીને લાઇસન્સ ઈશ્યૂ કરી દેવાતાં હોવાની રાજ્યભરમાંથી વ્યાપક ફરિયાદો ઊઠી હતી. આરટીઓ કચેરીમાં ર્લનિંગ કે પાકા લાઇસન્સ માટે કમ્પ્યૂટર ટેસ્ટ અને કામગીરીમાં પારદર્શક વહીવટ માટે કરોડોના ખર્ચે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યા છે. ટુ વ્હીલર કે ફોર વ્હીલરના પાકા લાઇસન્સ માટે અરજદારે સેન્સર બેઇઝ ટ્રેક પર ટેસ્ટ ડ્રાઇવ આપવી ફરજિયાત છે. ટેસ્ટ ડ્રાઇવમાં એક પણ ભૂલ થાય તો પણ સેન્સર મારફતે કમ્પ્યૂટરમાં અરજદારની ભૂલ દર્શાવાય છે. આ કામગીરી માટે ગાંધીનગરથી વિભાગ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં કમ્પ્યૂટર ઓપરેટરથી લઈને ટ્રેક પર કોન્ટ્રાક્ટરના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી.
કોન્ટ્રાક્ટ સ્ટાફ દ્વારા ટુ વ્હીલરના લાઇસન્સ માટે રૂ. રપ૦૦ અને ફોર વ્હીલરના માટે રૂ. ૬૦૦૦ થી ૧૦,૦૦૦ લઈને લાઇસન્સ ઇશ્યૂ કરી દેવાતાં હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. બે માસ પહેલાં સુરત ખાતે આવા પપ બોગસ લાઇસન્સ ઇશ્યૂ કરી દેવાયાં હતાં. ફરિયાદોના પગલે ગાંધીનગરથી જ વિભાગ દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને ટેસ્ટ ટ્રેક ડ્રાઇવની કામગીરી સંભાળી લેવા માટે પરિપત્ર કરાયો છે, તેની સાથે જ ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવાયા છે. ટેસ્ટ ટ્રેક પર નિયમ પ્રમાણેનું જ ડ્રાઇવિંગ વાહનચાલક કરે તે માટે ૧૭૦થી વધુ સેન્સર ટ્રેક પર લગાવાયા છે. વાહનચાલક સામાન્ય નિયમનો ભંગ કરે કે તરત જ સેન્સર એક્ટિવ થાય અને સ્ક્રીન પર તમામ એરર આવી જાય. ટ્રેક પર કેટલી વાર કઇ જગ્યાએ કેટલી એરર આવી તેનો ટેકનિકલ ડેટા સેન્સર દ્વારા સીધો સ્ક્રીન પર આવી જતો હતો, જોકે હાલમાં આ ટ્રેક પર કેટલાંક સેન્સર બંધ હોવાનું જાણવા મળે છે.