રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાને પરિણામે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં અંદાજે સરેરાશ દર વર્ષે ૨૯,૩૦૯ રોડ અકસ્માત થાય છે. જેમાં દર વર્ષે સરેરાશ ૬,૪૮૩ લોકો મૃત્યુ પામે છે. આવા અકસ્માતોમાં ઇજા પામનાર કે મૃત્યુ પામનાર કે કાયમી અપંગ થયેલ વ્યક્તિ અને તેમના પરિવારજનોને ઘણી મોટી તકલીફ અને દુ:ખ સહન કરવુ પડતુ હોય છે.
અનુભવે જણાયુ છે કે માર્ગ અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિઓને જો તાત્કાલિક, સમયસર, યોગ્ય સારવાર પ્રાપ્ત થાય તો તેવા વ્યક્તિઓના જીવન બચાવી શકાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે કે, ગુજરાતની હદમાં થયેલ અકસ્માત પછીના ૪૮ કલાક દરમ્યાન દર્દીઓને રૂ.૫૦,૦૦૦ સુધીની તાત્કાલિક સારવાર વિનામૂલ્યે અપાશે. જેમાં ગુજરાત, ગુજરાત બહારના કે અન્ય રાષ્ટ્રના કોઇપણ નાગરિક હોય, પરંતુ અકસ્માત ગુજરાતના કોઇપણ છેડે થયો હોય તો પણ, નજીકના સ્થળે દર્દીને રાજ્યની તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર પુરી પડાશે. તેમ નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.
અકસ્માતના પ્રથમ કલાક (ગોલ્ડન અવર) માં ઇજાગ્રસ્તોને ઇમરજન્સી મેડીકલ સારવાર તાત્કાલિક મળી રહે તો ૫૦ % દર્દીઓનું અમૂલ્ય જીવન બચાવી શકાય છે. અકસ્માત દરમ્યાન કોઇપણ વ્યક્તિ વહેલામાં વહેલી તકે યોગ્ય સારવાર પ્રાપ્ત કરાવા માટે અકસ્માતના સ્થળથી સૌથી વધુ નજીક આવેલ ઉચ્ચ પ્રકારની સારવાર-સુવિધા અને ડોક્ટર ધરાવતી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તો વ્યક્તિઓને બચાવી શકાય છે. અકસ્માત દરમ્યાન ઇજાગ્રસ્ત લોકો ઝડપથી કોઇપણ ખાનગી સહિતની કોઇપણ હોસ્પિટલમાં સારવાર લેશે તો પ્રથમ ૪૮ કલાક દરમ્યાન ઇજાગ્રસ્તનું ડ્રેસીંગ, સ્ટેબીલાઇઝેશન, ફ્રેક્ચર સ્ટેબીલાઇઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે ઇજાના ઓપરેશનો, સીટી સ્કેન, એમ.આર.આઇ., અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન, માથાની ઇજાની સારવાર અને ઓપરેશન, ઘનિષ્ઠ સારવાર એકમમાં સારવાર (ICU), પેટ અને પેઢુની ઇજાઓ જેવી તમામ પ્રકારની સારવાર માટેનો તમામ ખર્ચ જે તે હોસ્પિટલોને સીધે-સીધો રાજ્ય સરકાર દ્વારા ચુકવાશે. જેથી કોઇ ગરીબ કે મધ્યમ વર્ગનો ઇજાગ્રસ્ત દર્દી સારવારના અભાવે જીવન ન ગુમાવે તેવો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.
અકસ્માતનો ભોગ બનનાર દર્દીને નજીકની કોઇપણ ખાનગી હોસ્પિટલ, જિલ્લા-તાલુકા હોસ્પિટલો, મેડીકલ કોલેજ-હોસ્પિટલો અથવા કોઇપણ અન્ય જાહેર કે ખાનગી હોસ્પિટલોમાં આ સેવાઓ પુરી પડાશે. અસરગ્રસ્ત દર્દીઓએ પ્રાથમિક સારવાર પેટે કોઇ નાણા ચુકવવાના રહેશે નહી ખાનગી હોસ્પિટલોએ પ્રથમ ૪૮ કલાકની સારવાર પેટે દર્દી પાસેથી કોઇ નાણા લેવાના રહેશે નહી. ખાનગી હોસ્પિટલોએ કરેલ સારવાર અંગેના ખર્ચનું બીલ સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/તબીબી અધિક્ષકને રજુ કરવાનું રહેશે તેમજ ખાનગી હોસ્પિટલને બીલની ખરેખર રકમ અથવા રૂ.૫૦,૦૦૦/- બંનેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.
આ યોજનાનું સંપૂર્ણ મોનીટરીંગ રાજ્યકક્ષાએથી કરાશે. જે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૩૦ કરોડની ફાળવણી પણ કરી છે.