નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમતમાં વધારો કરવા વિચારણા કરી રહી છે. ભારતની ખાંડની નિકાસ ટાર્ગેટ કરતા ઓછી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. વિદેશી વેચાણને વધારી દેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ૫૦ લાખ ટન કરતા નિકાસનો આંકડો ઓછો રહે તેવી શક્યતા છે. સત્તાવાર સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, મોદીની ઓફિસ આ દરખાસ્ત ઉપર સીધીરીતે વિચારણા કરી રહી છે. આ હિલચાલના પરિણામ સ્વરુપે ખેડૂતોને સીધો ફાયદો થશે.
વૈશ્વિક કિંમતોમાં ઘટાડાના કારણે તેમના વધારે પડતા જથ્થાની નિકાસને લઇને સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને મદદ મળશે. સાથે સાથે રૂપિયો મજબૂત બનશે. ભારતની ખાંડ નિકાસનો આંકડો તમામ પ્રયાસો છતાં ઓછો રહ્યો છે. સરકાર દ્વારા એક પછી એક પગલા હાલના દિવસોમાં લેવામાં આવી રહ્યા હોવા છતાં ખેડૂત સમુદાયમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નારાજગીને દૂર કરવા માટે તાજેતરના સમયમાં ખેડૂતોના હિતમાં ઘણા પગલા લેવામાં આવી ચુક્યા છે.
ઇન્ડસ્ટ્રી અધિકારીઓના કહેવા મુજબ સરકાર લઘુત્તમ વેચાણ કિંમતમાં વધારો કરીને શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી શકે છે. આને લઇને અંતિમ વિચારણા ચાલી રહી છે. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પીછેહઠનો સામનો કરવો પડ્યા બાદ જુદી જુદી સ્કીમોને લઇને ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આની જાહેરાત થઇ શકે છે. સવર્ણ વર્ગોના આર્થિકરીતે નબળા લોકો માટે અનામતની જાહેરાત કરવામાં આવ્યા બાદ આના ઉપર પણ નજર છે.