નવીદિલ્હી: મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી હવે આઠ ટ્રિલિયન રૂપિયાના આંકડાથી પાર કરી ગઈ છે. દેશમાં સૌથી વધારે માર્કેટ મૂડી ધરાવતી કંપનીઓ પૈકી તે પ્રથમ સ્થાન ઉપર પહેલાથી જ હતી પરંતુ હવે તેની માર્કેટ મૂડી ૮.૦૧ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૭.૮૭ ટ્રિલિયન રૂપિયાની માર્કેટ મૂડી સાથે બીજા સ્થાને છે. આરઆઈએલ દેશની પ્રથમ કંપની હતી જે બંધ થયેલી સપાટીના આધાર પર ૨૩મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે આ સિદ્ધિ હાંસલ કરી ગઈ હતી પરંતુ હાલમાં તેની માર્કેટ મૂડી ઘટી છે.
આરઆઈએલની માર્કેટ મૂડી એક વખતે ૨૮મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે ૮.૩૫ ટ્રિલિયન રૂપિયાની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી હતી પરંતુ હવે તેની માર્કેટ મૂડી આઠ ટ્રિલિયનથી નીચે પહોંચી છે. ટીસીએસની માર્કેટ મૂડી ઉલ્લેખનીયરીતે વધી રહી છે. બંધ થયેલી સપાટીના આધાર પર તેની માર્કેટ મૂડી ૮.૦૧ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં વધારો થવા માટે કેટલાક કારણો દેખાઈ રહ્યા છે. ટીસીએસની માર્કેટ મૂડી વધવા માટે તેના શેર કિંમતમાં વધારાને પણ જવાબદાર ગણવામાં આવે છે. અગાઉની બંધ સપાટીની સામે તેના શેરની કિંમતમાં ૧.૯ ટકાનો વધારો થયો છે જેથી તેના શેરની કિંમત ૨૦૯૩.૨૦ પ્રતિશેર થઇ ગઇ છે જે તેની શેરબાયબેકની કિંમતની બિલકુલ નજીક છે.
ટીસીએસની શેર બાયબેકની કિંમત પ્રતિશેર ૨૧૦૦ રૂપિયા હતી. ટીસીએસના શેરને લઇને બાયબેક ઓફર ફરી શરૂ થઇ રહી છે. ગુરુવારે ૬ઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે ટીસીએસ શેર બાયબેક ઓફર ખુલશે અને શુક્રવારે બંધ થશે. કંપની ઇક્વિટી શેર હોલ્ડરો અને ઇક્વિટી શેરના લાભ મેળવનાર માલિકો પાસેથી શેર ખરીદવાની યોજના ધરાવે છે. ૭૬.૧૯ મિલિયન શેર બાયબેક કરવાની ઇચ્છા ધરાવે છે. ૧૮મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે ઇક્વિટી શેર બાયબેક કરવામાં આવ્યા હતા. સ્ટોક એક્સચેંજ વ્યવસ્થા મારફતે ટેન્ડર રુટની રીતે આ ખરીદી કરવામાં આવી હતી. ફિસ્ક્ડ શેર બાયબેકની કિંમત પ્રતિ ઇÂક્વટી શેર ૨૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે.
ટીસીએસનું કહેવું છે કે, કંપનીના રિટર્ન ઓન ઇક્વિટીમાં સુધારો કરવાના હેતુસર લેવામાં આવેલા મૂડી ફાળવણીના નિર્ણયના આધાર પર બાયબેકનો નિર્ણય કરાયો છે. મુંબઈ સ્થિત આ મહાકાય કંપનીએ બીજી વખત શેર બાયબેક સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮માં હજુ સુધી ટીસીએસના શેરની કિંમતમાં ૫૫ ટકાનો વધારો થયો છે. જ્યારે એસ એન્ડ પી બીએસઈ સેંસેક્સમાં ૧૩.૫ ટકાનો વધારો થયો છે. કંપની ખુબ જ આક્રમકરીતે આગળ વધવાની યોજના ધરાવે છે.