રાજ્યના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં અણઘડ રીતે એફઆઇઆર નોંધવાનું પ્રમાણ એ હદે વધતું ગયું છે કે તેના કારણે ગંભીર ગુનાઓ સહિતના કેસમાં આરોપીને સજા થઈ શકતી નહી હોવાનું ગૃહ વિભાગે કબૂલાત કરી છે. જેથી હવે આ મામલે રાજ્યની સ્થાપનાના ૬૦ વર્ષે ગંભીરતા પારખી દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ચાર પોલીસ અધિકારીઓને સરખી રીતે એફઆઇઆર લખતા શીખવવા ગૃહ વિભાગે એક ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને પોલીસને માત્ર એફઆઇઆર લખતા શીખવવા માટે સરકાર ચાર વર્ષના પ્રોજેક્ટ પાછળ રૂ. ૪.૮૦ કરોડનો ખર્ચ કરશે. તેમજ રાજ્યમાં સજાનું પ્રમાણ ૩૦ ટકા વધારવા માટે કુલ રૂ. ૯૭.૩૪ કરોડનો ખર્ચ કરશે.
જો કે, અહીં સૌથી મોટો સવાલ એ છે કે, જયારે પણ કોઇ ફરિયાદી પોતાની એફઆઇઆર દાખલ કરાવવા જાય ત્યારે પોલીસ તો તેની રીતે જ ફરિયાદ દાખલ કરતી હોય છે. બહુ ઓછા કિસ્સામાં પોલીસ ફરિયાદીની ફરિયાદ કે રજૂઆત પ્રમાણે એફઆઇઆર દાખલ કરતી હોય છે, તેથી સરકારનો આ પ્રોજેકટ પાણીમાં જાય તો નવાઇ નહી તેવી ચર્ચા પણ અત્યારથી જ કાયદાવિદોમાં શરૂ થઇ ગઇ છે. રાજ્યના ગૃહવિભાગે સજાનો દર સુધારવા માટે તૈયાર કરેલા પ્રોજેક્ટમાં જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી પોલીસમાં ભરતી કરવામાં આવી હોવા છતાં સજાનો દર વધતો નથી અને એક સરખો રહ્યો છે. રાજ્ય પોલીસ વિભાગમાં ટેકનોલોજીમાં ખૂબ મોટુ ઈન્વેસ્ટેમેન્ટ કરવા છતાં ગુનાખોરીની પધ્ધતિને લગતી બાબતોમાં નક્કર તાલીમનો અભાવ જોવા મળ્યો છે.
ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલું બજેટ નાની નાની બાબતોમાં ખર્ચ કરવામાં આવતું હતું. જેને લીધે ગુના નિવારવાનો મુખ્ય ધ્યેય હટી જતો હતો. ગૃહ વિભાગે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં નવા અધિકારીઓની ભરતી થઈ છે. આ તમામને ગુનાની તપાસની પૂરતી ટ્રેનીંગ મળી નથી. તેમજ મોટાભાગના પોલીસ કર્મીઓએ એફઆઇઆર લખવાની તાલીમ જ લીધી નથી.
એફઆઇઆર યોગ્ય સમયે થતી નથી અને કોર્ટમાં સમયસર જતી નહોતી. જેથી દરેક પોલીસ સ્ટેશનના ચાર પોલીસ અધિકારીઓને એફઆઇઆર કેવી રીતે લખવી તેની તાલીમ આપવામાં આવશે. ખાસ પ્રકારના ગુના માટે સ્ટાર્ન્ડડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરીને અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઉપરાંત ફરિયાદ મજબૂત કરવા માટે આર્ટીફીશયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. એફઆઇઆર લખતા શીખવવાની તાલીમ આપવા ૨૪ કલાક માટે કોલ સેન્ટર ઉભું કરાશે. જેમાં એફઆઇઆર સંદર્ભે પોલીસ અધિકારીને કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શનની જરૂર હોય તો તુરંત મદદ કરશે. કોલ સેન્ટરમાં સક્ષમ રિટાયર્ડ પોલીસ અધિકારીઓની નિમણૂંક કરાશે. જેના કારણે તેમના અનુભવનો લાભ મળશે. આ કોલ સેન્ટરની મદદ માટે ક્રિમિનલ એડવોકેટ, આઈટી અને અન્ય ખાસ નિષ્ણાતોની મદદ પણ લેવાશે. જેમાં સાયબર ક્રાઈમ, નાર્કોટિકસ, લાંચ રૂશ્વત વિરોધી દળ અને આર્થિક ગુના માટે ઉપયોગ થશે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા ઓનલાઈન એફઆઇઆર લખવાનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. જે આગામી દિવસોમાં અમલમાં આવશે. જેની જરૂરી સુચના સમગ્ર રાજ્યમાં ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, પોલીસ વિભાગ સામે વિલંબથી એફઆઇઆર નોંધવાની ફરિયાદ ગૃહવિભાગ સમક્ષ થતી હતી. ટ્રેનીંગ બાદ નિષ્ણાતોના મતે એફઆઇઆર લખવામાં ૫૦ ટકા જેટલો સુધારો થશે.