કન્યાકુમારી : તમિળનાડુના કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને જવાનોને સલામી આપી હતી. આ ગાળા દરમિયાન મોદીએ કહ્યું હતું કે, અગાઉની સરકારો વેળા જ્યારે આતંકવાદી હુમલા થતાં હતા ત્યારે ક્યારે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી પરંતુ અમારી સરકારે આવ્યા બાદ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવા અને બદલો લેવા માટે સેનાને ખુલ્લી છુટ આપી દેવામાં આવી છે. વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆતમાં વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા કરી હતી. વિંગ કમાન્ડર અભિનંદનને ભારત સરકારના વ્યાપક દબાણ અને આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણના કારણે આજે પાકિસ્તાનને છોડી મુકવાની ફરજ પડી હતી. વિંગ કમાન્ડર બુધવારથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા.
જવાનોને સલામ કરતા મોદીએ કહ્યું હતું કે, મુંબઈમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારતે કોઇ કાર્યવાહી કરી ન હતી પરંતુ ઉરી અને પુલવામામાં જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે ત્રાસવાદીઓને બોધપાઠ ભણાવવામાં આવ્યો છે. ભારતે પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. જે સૈનિકો દેશની સેવામાં લાગેલા છે તેમને તેઓ સલામ કરે છે. એક સમય એવો હતો જ્યારે અખબારોમાં અહેવાલ આવતા હતા કે, ભારતીય સેના બદલો લેવા ઇચ્છુક છે પરંતુ યુપીએ સરકાર બદલો લેવાની મંજુરી આપી રહી નથી પરંતુ હવે સરકાર બદલાઈ ચુકી છે. એનડીએ સરકાર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા અને બદલો લેવા સંપૂર્ણ કટિબદ્ધ છે. મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે, અમે ભારતીયોને ગર્વ છે કે, વિંગ કમાન્ડર તમિળનાડુના છે. આ ગાળા દરમિયાન આતંકવાદીઓનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ભારત વર્ષોથી આતંકવાદનો સામનો કરે છે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી અનેક આતંકવાદી હુમલા થયા હતા.
જયપુર, મુંબઇ, અમદાવાદ, હૈદરાબાદ સહિત અનેક જગ્યાઓ ઉપર હુમલા થયા હતા પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મોદીએ પરોક્ષરીતે નેતાઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, કેટલાક એવા નેતાઓ હજુ પણ છે જેમના કારણે પાકિસ્તાનને ફાયદો થઇ રહ્યો છે. પાકિસ્તાન સંસદ અને પાકિસ્તાનના રેડિયોમાં ખુશીના સમાચાર આવી રહ્યા છે. આવા નેતાઓના કારણે પાકિસ્તાની મિડિયા ખુશખુશાલ છે અને તેમના નિવેદનો હેડલાઈન બની રહ્યા છે. આવા નેતાઓને તેઓ પ્રશ્ન કરવા માંગે છે કે, તેઓ સેનાને સપોર્ટ કરે છે કે પછી પાકિસ્તાનને સપોર્ટ કરે છે. સમગ્ર વિશ્વ આતંકવાદની સામે એકમત છે ત્યારે કેટલીક પાર્ટીઓ આતંકવાદના નામે મતભેદો પર છે. પાકિસ્તાની યુદ્ધવિમાનોની સાથે સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનમાં પડી ગયેલા મિગ-૨૧ના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને પરિવારના લોકો અભિનંદન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોની જારદાર ઝાટકણી કાઢી હતી. વિપક્ષોને રાજનીતિના નામે દેશને નબળું ન કરવા મોદીએ અપીલ કરી હતી. મોદીએ તમિળનાડુમાં કન્યાકુમારી ખાતે એક બેઠકને સંબોધતા કહ્યું હતું કે, મોદી આવશે અને જશે પરંતુ ભારત હંમેશા મજબૂત અને અકબંધ રહેશે. રાજનીતિના કારણે દેશને કમજાર કરવાના પ્રયાસો ખુબ ખતરનાક છે. પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ઉપર હવાઈ હુમલાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, છેલ્લા બે દિવસથી જે ઘટનાક્રમ જાવા મળ્યા છે તેનાથી ભારતીય સેનાની તાકાતનો પરિચય મળે છે પરંતુ કેટલાક રાજકીય પક્ષો જે મોદીથી નફરત કરે છે તે લોકો ભારતની પણ ઘૃણા કરે છે.
સમગ્ર દેશ જ્યારે સશસ્ર દળો સાથે છે ત્યારે કેટલાક પક્ષોને આતંકવાદ સામેની અમારી લડાઈમાં પણ શંકા થાય છે. આ પ્રકારના લોકો એ જ લોકો છે જે પરોક્ષરીતે પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે જેના કારણે પાકિસ્તાનને સીધો ફાયદો થઇ રહ્યો છે. અમારી સરકારે આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે કઠોર પગલા લીધા છે. ઘણા વર્ષો સુધી કોંગ્રેસે એક પ્રકારની વ્યવસ્થા ગોઠવી હતી જેના કારણે તેમના મિત્રો અને પરિવારને જ લાભ થઇ રહ્યો હતો. સામાન્ય લોકોને લાભ થઇ રહ્યા ન હતા. મોદીએ કહ્યું હતું કે, તેમની તેમના પરિવાર તરીકે ૧૩૦ કરોડ ભારતીયો છે. દેશ અને લોકોના વિકાસ માટે તેની લાઇફ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના લોન માફી એવી જ બાબત બની ગઈ છે જે લાભ મેળવવા માટે છે.