અમદાવાદ : જાણીતા ક્રાંતિકારી મહિલા સંત આનંદમૂર્તિ ગુરૂમા આગામી દિવસોમાં અમદાવાદની ખાસ મુલાકાતે છે. તા.૧૮થી ૨૧ એપ્રિલ દરમ્યાન જાણીતા સંત આનંદમૂર્તિ ગુરૂમાનો શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં સવારે આઠથી દસ વાગ્યા દરમ્યાન વિશેષ સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધર્મ, સંપ્રદાય, જાતિ કે વર્ગની વ્યકતિઓ માટે આ સત્સંગ નિઃશુલ્ક છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેશે એમ અમદાવાદ ઋષિ ચૈતન્ય કથા સમિતિના અગ્રણીઓ ગીતા માણેક અને હિમાંશુ પટેલે જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આનંદમૂર્તિ ગુરૂમા અનોખા મહિલા સંત છે. તેઓ આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનના વારસદાર છે.
રામાયણ, મહાભારત, ભગવદ્ગીતા, ઉપનિષદ, પુરાણો અને શા†ોના ગૂઢાર્થોને તેઓ એક સામાન્ય માનવીને સરળતાથી સમજાય તે પ્રકારે નિરૂપણ કરે છે. વેદાંત તેમના વ્યકિતત્વનો હિસ્સો છે. તો, વિજ્ઞાન, ટેકનોલોજી, શરીરશા†, મેડિકલ ક્ષેત્રે થઇ રહેલા સંશોધનો અને પ્રવાહોથી પણ તેઓ સંપૂર્ણ રીતે વાકેફ છે. યોગ-પ્રાણાયામ, આયુર્વેદ તેમ જ માનવશરીરની સંરચના અંગેની તેમની સમજણ તલસ્પર્શી છે. વ્યકિત સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરી શકે એવી અમૂલ્ય જાણકારીનો ભંડાર આનંદમૂર્તિ ગુરૂમા ખોલી આપે છે. ભારતીય સંતપરંપરાના અમર સંતો કબીર, મીરા, રૈદાસ, સહજાબાઇ, તુલસીદાસ, પલટુ વગેરેના જીવન અને કવન તેમને કંઠસ્થ છે. આ જાણીતા અને અજાણ્યા સંતોની રચનાઓ તેમના સમધુર અને સુરીલા અવાજમાં સાંભળવી એ અમદાવાદની જનતા માટે લ્હાવો હશે. સંત આનંદમૂર્તિ ગુરૂમા યોગ, ભકિત કે જ્ઞાન માર્ગના જિજ્ઞાસુઓની આધ્યાત્મિક શંકાઓનું સમાધાન આપે છે તો, સામાન્ય માનવીને મૂંઝવતી રોજિંદી ગૂંચવણોનો ઉકેલ પણ આપે છે. અમદાવાદ ઋષિ ચૈતન્ય કથા સમિતિના અગ્રણીઓ ગીતા માણેક અને હિમાંશુ પટેલે વધુમાં ઉમેર્યું કે, આનંદમૂર્તિ ગુરૂમા જેવા કરૂણાશીલ સંત કોઇપણ પ્રકારની અપેક્ષા વિના તેમના જ્ઞાનનો ભઁડાર લઇને સમાન્ય લોકો સુધી પહોંચી રહ્યા છે.,
જે અમદાવાદના નગરજનોનું સૌભાગ્ય છે. પુલવામાના આઁંતકવાદી હુમલાની ઘટના બાદ આનંદમૂર્તિ ગુરૂમા ઋષિ ચૈતન્ય આશ્રમ વતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને શહીદ જવાનોના પરિવારજનો માટે રૂ.૫૧ લાખ સહાય પેટે અર્પણ કર્યા હતા. આ સિવાય સંત આનંદમૂર્તિ ગુરૂમાએ અત્યાર સુધી ગુજરાત સહિત દેશભરમાં દસ હજારથી વધુ કન્યાઓને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડયું છે તો, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓનો સેવા યજ્ઞ પણ સતત ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંત આનંદમૂર્તિ ગુરૂમા દિલ્હીની આઇએસબીટીથી ૬૫ કિ.મી દૂર હરિયાણા રાજયના સોનીપત જિલ્લાના ગન્નોર ખાતે આવેલા ઋષિ ચૈતન્ય આશ્રમમાં વસવાટ કરે છે. આનંદમૂર્તિ ગુરૂમા જેવા વિલક્ષણ સંત અમદાવાદના આંગણે તા.૧૮થી ૨૧ એપ્રિલ દરમ્યાન પધારી રહ્યા છે ત્યારે તેમના જ્ઞાન અને ભકિતની અમૃતવર્ષામાં ભીંજાવા અને તરબોળ થવા ઋષિ ચૈતન્ય કથા સમિતિ તરફથી તમામ જનતાને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.