અમદાવાદ : વિદેશમાં બેચલર ઓફ ડેન્ટલના અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૯થી નીટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવાઈ છે. જેને પગલે હવે પછી વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવતાં પહેલાં પણ નીટ હોવું ફરજિયાત કરાયું છે. ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થોડી નારાજગીની લાગણી ફેલાઇ છે. અગાઉ એમબીબીએસ કરવા જતા છાત્ર માટે પણ નીટ ફરજિયાત કરાઇ હતી. જે પ્રમાણે એમબીબીએસના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે તેવી જ રીતે ડેન્ટલનો અભ્યાસ કરવા માટે પણ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા માટે જાય છે.
ડેન્ટલના અભ્યાસક્રમ માટે સૌથી વધુ વિદ્યાર્થીઓની પસંદ વિદેશ છે. વિદેશોમાં રશિયા, ચાઈના, ફિલિપાઈન્સ સહિતના અનેક દેશોની ખાનગી યુનિવર્સિટીઓ એમબીબીએસ અને ડેન્ટલનો અભ્યાસ કરાવે છે અને ગુજરાત સહિત ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલના અભ્યાસ માટે જાય છે. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વિદેશમાં ડેન્ટિસ્ટની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ તેવો નિયમ લાગુ કર્યો છે. અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશમાં જઇને ડેન્ટલનો અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવે છે.
વિદેશમાં ડિગ્રી મેળવીને દેશમાં વિદ્યાર્થીઓ સ્ક્રીનિંગ ટેસ્ટ આપી દેતા હતા અને ડોકટરનું લાઇસન્સ મેળવીને સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરી દેતા હતા પણ હવે ડેન્ટલ કાઉન્સિલે વિદેશમાં જતા પહેલાં નીટ પાસ હોવું ફરજિયાત કરી દીધું છે એટલું જ નહીં, નીટ પાસ હશે તે જ વિદ્યાર્થીને યોગ્યતા પ્રમાણપત્ર આપવાનો પણ નિર્ણય લીધો છે, જોકે યોગ્યતા પ્રમાણપત્ર આપતાં પહેલાં જ વિદ્યાર્થીને લેખિત સ્ક્રીનિંગ ટેસ્ટ લેવાશે. આ મામલે કાઉન્સિલ દ્વારા તમામ ડેન્ટલ કોલેજો અને હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરાઈ છે. બીજીબાજુ, ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થોડી નારાજગીની લાગણી ફેલાઇ છે. કારણ કે, આ નિર્ણય વિદ્યાર્થીઓની સાનુકૂળતા પર તરાપ સમાન ગણાવાયો હતો. આવા નિર્ણયથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધશે તેવી લાગણી પણ કેટલાક વાલીઓએ વ્યકત કરી હતી.