હવે કાશ્મીર અને હિમાચલના ઘણા ભાગોમાં પારો શુન્ય થયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના કેટલાક ભાગો તેમજ લદાખમાં હાલમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. કારણ કે આ તમામ રાજ્યોના કેટલાક ભાગોમાં પારો શુન્યથી નીચે પહોંચી ગયો છે. કાશ્મીરના અનેક ભાગો, લદાખના કેટલાક વિસ્તારો અને હિમાચલ પ્રદેશના જુદા જુદા ભાગોમાં પારો શુન્યથી નીચે પહોંચી ગયો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ પારો ઘટીને ૯.૪ સુધી પહોંચી ગયો છે. હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં હિમવર્ષા જારી રહી છે. હિમાચલના લાહોલ જિલ્લામાં ચન્દ્રા ખીણ ખાતે બરફની ચાદર છવાઇ ગઇ છે. લેહમાં માઇનસ ૧૩.૨ ડિગ્રી તાપમાન થયુ છે. જ્યારે શ્રીનગરમાં માઇનસ ૦.૯ ડિગ્રી તાપમાન થયુ છે. ઉત્તર કાશ્મીરના સ્કી રિસોર્ટ ગુલમર્ગ ખાતે ગયા સપ્તાહમાં હિમ વર્ષા થઇ ચુકી છે. અહીં માઇનસ આઠ ડિગ્રી તાપમાન થયુ છે. શ્રીનગર-લેહ હાઇવેને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. મનાલી, લાહોલ અને કિન્નોરમાં પારો ખુબ નીચે પહોંચી ગયો છે. પંજાબ અને હરિયાણમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પંજાબના અમૃતસરમાં પારો ૭.૮ ડિગ્રી થયો છે. હરિયાણાના હિસારમાં પારો ૮.૮ થયો છે. ઉત્તરપ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ છે. પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે.

હાલમાં કાતિલ ઠંડીથી રાહત મળે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. આજે સવારે ઉત્તર ભારતમાં હાલત કફોડી રહી હતી. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન માઇનસમાં રહ્યુ હતુ. ઉચાણવાળા વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. વિજિબિલીટી પણ ઘટી ગઇ છે. જેના કારણે અકસ્માત પણ થયા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે કાતિલ ઠંડી, ધુમ્મસની સાથે સાથે પ્રદુષણનુ સ્તર પણ ખુબ નીચે પહોંચી ગયુ છે. હાલમાં કોઇ ફ્લાઇટને કેન્સલ કરવા અથવા તો ડાયવર્ટ કરવાને લઇને કોઇ સમાચાર મળ્યા નથી. જો કે ટ્રેન સેવાને માઠી અસર થઇ છે. દિલ્હીથી ચાલતી કુલ ૨૭ ટ્રેનો મોડેથી દોડી રહી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગઇકાલે પણ કાતિલ ઠંડી રહી હતી. સપ્તાહના છેલ્લા દિવસે દિલ્હીમાં તાપમાન ગગડી ગયુ હતુ. હવામાન વિભાગે કહ્યુ છે કે સોમવારના દિવસે ધુમ્મસની ચાદર તમામ જગ્યાએ રહી હતી.

બીજી બાજુ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને અન્યત્ર કાતિલ ઠંડી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પારો ફરી એકવાર ઘટી રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં પારો માઇનસમાં પહોંચી જતા જનજીવન પર અસર થઇ રહી છે. મેદાની ભાગોમાં હાલમાં હાલત કફોડી બનેલી છે.

Share This Article