લખનૌ : લખનૌમાં એક કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ માટે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ૮૧ મૂડી રોકાણના પ્રોજેક્ટો લોન્ચ કરવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં અમે પોતાની પ્રથમ ઈન્વેસ્ટર્સ મીટનું આયોજન કર્યું હતું. પાંચ મહિનામાં જ ૬૦ હજાર કરોડથી રૂપિયાથી વધુના મૂડી રોકાણના પ્રસ્તાવેને વાસ્તવિક કરવામાં આવી રહ્યા છે.
યોગીએ કહ્યું હતું કે બહુજન સમાજ પાર્ટીના પાંચ વર્ષના ગાળામાં ૫૭ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. અમારા એક વર્ષના શાસનકાળમાં જ ૬૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ ૫૦ હજાર કરોડની બીજી યોજનાઓ જમીન પર ઉતારવામાં આવશે. યોગીએ કહ્યું હતું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં શ્રેષ્ઠ પાંચ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ સામેલ છે.
આ વર્ષના અંતમાં બુંદલખંડ એક્સપ્રેસ વેને શરૂ કરી દેવામાં આવશે. કોઈપણ કંપની પ્રદેશની બહાર જવા માટે નહીં બલ્કે વિસ્તારને આગળ વધારવા માટે તૈયાર છે. માર્ચ ૨૦૧૭ પહેલા કંપનીઓ ઉત્તરપ્રદેશમાંથી બહાર જવા માટે ઉત્સુક રહેતી હતી પરંતુ સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. જાન્યુઆરી ૨૦૧૯માં યોજાનાર પ્રયાગરાજ કુંભમાં ભાગ લેવા માટે તેઓ તમામ લોકોને આમંત્રિત કરે છે. ઉત્તરપ્રદેશમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં ઉત્તરપ્રદેશ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું હતું. જેમાં ચાર લાખ ૬૮ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું. આ વખતે ફરીથી આયોજન કરવામાં આવનાર છે.