રસ્તાના કામ પૂર્ણ ન કરનાર કોન્ટ્રાકટરને નોટિસ અપાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  શહેરમાં ઊબડખાબડ અને બિસ્માર રસ્તાના રિસરફેસિંગના કામથી નાગરિકોને સંતોષ નથી. અમ્યુકો તંત્રની કામગીરીને લઇ નાગરિકો ભારે નારાજગી સાથે ગંભીર સવાલો પણ ઉઠાવી રહ્યા છે ત્યારે બીજીબાજુ, અમ્યુકો સત્તાધીશો રસ્તાના કામમાં ઝડપ આવી હોવાનો દાવો કરી રહ્યા છે. તો વાસ્તવિકતા એ છે કે, અમ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બંધબારણે વહીવટીતંત્રને જે કોન્ટ્રાકટર દ્વારા હજુ સુધી કાચબાગતિએ કામ થતું હોય તો તેવા કોન્ટ્રાકટરને નોટિસ ફટકારીને તેમની પાસેથી સાત દિવસમાં જવાબ માગવાની બંધબારણે તાકીદ કરાઇ રહી છે. શહેરના રસ્તાના કામો સમયસર પૂર્ણ નહી કરનાર કોન્ટ્રાકટરોને નોટિસ ફટકારી તંત્ર દ્વારા ખુલાસો મંગાશે. ગત ચોમાસામાં રૂ.૪પ૦ કરોડના રોડ પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં ધોવાઇ જતાં મ્યુનિસિપલ તંત્ર અને ભાજપના શાસકોના રાજ્યભરમાં આબરૂના લીરા ઊડ્‌યા હતા.

વિધાનસભાની વર્ષ ર૦૧૪ની છેલ્લી ચૂંટણીમાં પણ આ બાબત શાસક પક્ષને નડતાં ખાડિયા-જમાલપુર અને બાપુનગર એમ બે બેઠકો ગુમાવવી પડી હતી. ચાલુ વર્ષે આશરે રૂ.૩પ૦ કરોડના રોડના કામ મંજૂર થયા છે. પ્રારંભમાં જે તે રોડના કન્સલ્ટન્ટની નિમણૂક અને બાદમાં હોટમીક્ષ પ્લાન્ટ બનાવવામાં થયેલો વિલંબ, દિવાળી-દેવદિવાળીના કારણે મજૂરોની ગેરહાજરી વગેરે કારણો હાથ ધરીને કોન્ટ્રાકટરોએ રોડના કામમાં ગતિ આવતી નહીં હોવાનું બહાનું કાઢ્યું હતું. જોકે તંત્ર દ્વારા ૩.૭૭ લાખ મેટ્રિક ટનના રોડ રિસરફેસિંગના કામ કરવાના હોઇ હજુ સુધી માત્ર ૧.૦૭ લાખ મેટ્રિક ટનના કામ થયા હોવાનું જાણવા મળ્યું છે એટલે કે હજુ ૭પ ટકા રોડનાં કામ બાકી છે.

બીજી તરફ શાસકોને હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા કયા રોડના રિસરફેસિંગના કામ થયાં અને કેટલા રોડ બાકી છે તેનાથી માહિતગાર કરાયા નથી. પત્રકારો સાથેની વાતચીતમાં પણ શાસક પક્ષ રોડના કામની જાણકારીના અભાવે તેની યાદી આપવામાં અસમર્થતા વ્યક્ત કરે છે. બીજી તરફ ગત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ રોડના કામની ગોકળગાય ગતિથી તંત્ર પર રોષે ભરાયા હતા. મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન સહિતના જે ઝોનમાં કોન્ટ્રાકટર પોતાની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે તેમની સામે નોટિસ ફટકારવાની અમૂલ ભટ્ટે સત્તાવાળાઓને તાકીદ કરતાં સંબંધિત ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી છે, જોકે હજુ સુધી ઇજનેર વિભાગ દ્વારા એક પણ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારીને તેમના જવાબ લેવાની તસ્દી લેવાઇ નથી. પરંતુ આગામી દિવસમાં આ મામલે કંઇક ગતિવિધિ થાય તેવી પૂરી શકયતા છે.

Share This Article