મુંબઈઃ વર્ષ ૧૯૯૩માં મુંબઈ બ્લાસ્ટ કેસમાં પોતાની ભૂમિકા બદલ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમે બોલીવુડની સુપરહિટ ફિલ્મ સંજુના ફિલ્મ નિર્માતાઓને કાયદેસરની નોટિસ ફટકારી દીધી છે. સાથે સાથે ફિલ્મમાં તેના સંદર્ભમાં ખોટી માહિતી પ્રકાશિત કરવા અને લોકો સુધી પહોંચાડવા બદલ માફી માંગવાની માંગ કરી છે.
અબુ સામેલે પોતાના વકીલ મારફતે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી તેના અંગેની માહિતીને સુધારવા રજૂઆત કરી છે. સાથે સાથે આના માટે માફીની માંગ પણ કરી છે. નોટિસ અંગે કામ કરવા ફિલ્મ નિર્માતાઓને ૧૫ દિવસની મહેતલ આપવામાં આવી છે. અબુ સામેલ તરફથી કહેવામાં આવ્યું છે કે, જો ૧૫ દિવસમાં કોઇ કાર્યવાહી નહીં કરાય તો તેમની સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે.
નોટિસમાં ફિલ્મ નિર્માતા રાજુ હિરાની, વિદુ વિનોદ ચોપડા અને અન્યોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અબુ સાલેમે એવા સીન સામે વાંધો ઉઠાવ્યો છે જેમાં ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા અદા કરી રહેલા રણબીર કપૂર દ્વારા મુંબઈના ૧૯૯૩ના કોમી રમખાણોના સમયે હથિયારો રાખવાની કબૂલાત કરી છે.
અબુ સાલેમના વકીલે કહ્યું છે કે, તેમના અસીલની સંડોવણી આ સીનમાં દર્શાવવામાં આવી છે. અબુ સાલેમે કોઇપણ પ્રકારના હથિયાર સંજય દત્તને આપ્યા ન હતા. સંજય દત્તની લાઇફ ઉપર બનેલી સંજુ ફિલ્મ આ વર્ષની સૌથી મોંઘી હિટ ફિલ્મ સાબિત થઇ રહી છે. ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂરે અદા કરી છે. ૨૯મી જૂનના દિવસે ફિલ્મ રજૂ થયા બાદથી આ ફિલ્મ ૩૩૪ કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. એક પછી એક રેકોર્ડ સર્જી રહી છે.