અમિત શાહ સામે માનહાનિ કેસ કરાતા નોટિસ ફટકારાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોલકાતા: તૃણમુલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક મુખર્જીએ ભાજપ પ્રમુખ અમિત શાહની સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે. અભિષેક મુખર્જીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, અમિત શાહે કોલકાતામાં ૧૧મી ઓગસ્ટના દિવસે જનસભામાં તેમની સામે અપમાનજનક નિવેદન કર્યું હતું. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટને અમિત શાહને નોટિસ જારી કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આ મામલાની સુનાવણીને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કોલકાતાના મુખ્ય મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઉપસ્થિત થઇને ધારદાર દલીલો કરી હતી. તેઓએ લેખિતમાં રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે, અમિત શાહે તેમની સામે વાંધાજનક ટિપ્પણી કરી હતી. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટને નોટિસ ફટકારવા માટે અપીલ પણ કરવામાં આવી છે. અપરાધિક મામલામાં હવે સુનાવણી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીના ભત્રીજાએ ૧૩મી ઓગસ્ટના દિવસે અમિત શાહને કાયદાકીય નોટિસ ફટકારીને તેમને માફી માંગવા માટે કહ્યું હતું.

નોટિસમાં અમિત શાહને કહેવામાં આવ્યું છે કે, તેઓએ પોતાના ભાષણ દરમિયાન મુખ્યમંત્રીના ભત્રીજાની સામે હળવીરીતે ઇશારો કરીને કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા. અભિષેક રાજકીયરીતે સક્રિય છે. આવી સ્થિતિમાં અભિષેકનું અપમાન કરવામાં આવ્યું છે. અભિષેક એવા આક્ષેપોને રદિયો આપી રહ્યા છે કે, તેઓ કેન્દ્ર સરકાર પાસેથી પશ્ચિમ બંગાળ રાજ્યને મળેલા ત્રણ લાખ ૫૯ હજાર કરોડ રૂપિયા અથવા તો કોઇપણ બીજી રકમમાં કોઇ હેરાફેરીમાં સામેલ રહ્યા છે. નોટિસમાં અભિષેકે તર્કદાર દલીલો રજૂ કરી છે. કોઇ ઉશ્કેરણીજનક નિવેદન ન કરવા માટે પણ આમા રજૂઆત કરવામાં આવી છે. જા કે, કેટલાક તર્ક સ્પષ્ટ થઇ રહ્યા નથી.

Share This Article