નવીદિલ્હી: રાફેલ ડિલ ઉપર આજે સંસદમાં જારદાર ધાંધલ ધમાલ થઇ હતી. ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે એક બીજા ઉપર સંસદને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભાજપના ચાર લોકસભા સાંસદોએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી.
હાલમાં સ્પીકર સુમિત્રા મહાજન આ નોટિસમાં તપાસ કરી રહી છે. તેમનું કહેવું છે કે, આમા ધ્યાન આપવામાં આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ રાફેલ સોદાબાજીના મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનની સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપવાની તૈયારીમાં છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે, વડાપ્રધાન અને સંરક્ષણમંત્રીએ રાફેલ સોદાને લઇને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. વિશેષાધિકાર ભંગનો મામલો બને છે. ભાજપના ચાર સાંસદો નિશિકાંત દુબે, અનુરાગ ઠાકુર, દુ ષ્યંતસિંહ, પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધીની સામે વિશેષાધિકાર ભંગની નોટિસ જારી કરી છે. આ સાંસદોએ રાહુલ ઉપર ગંભીરપ્રકારના આક્ષેપ કર્યા છે. ભાજપના સાંસદોનું કહેવું છે કે, રાહુલ ગાંધીએ મોદી અને નિર્મલા સીતારામન સામે ખોટા આક્ષેપબાજી કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. પ્રશ્નકલાકની કામગીરી પૂર્ણ થયા બાદ દુબેએ કહ્યું હતું કે, તેમના દ્વારા વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે પણ બોલે છે ત્યારે ભાજપને ફાયદો થાય છે.
કોંગ્રેસ સાંસદોના વિરોધ વચ્ચે સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું હતું કે, તેઓ આ મામલામાં ધ્યાન આપશે. બીજી બાજુ કોંગ્રેસે કહ્યું હતું કે, મોદી અને નિર્મલા સીતારામન સંસદને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન સંસદને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ફ્રાંસ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં સિક્યુરિટી, ડિફેન્સ અને ઓપરેશન ક્ષમતા સાથે જાડાયેલી બાબતોને ગુપ્ત દર્શાવવામાં આવી છે. તેમાં કોઇપણ જગ્યાએ કિંમતોનો ઉલ્લેખ કરાયો નથી. કિંમત ગુપ્ત સમજૂતિની હદમાં આવતી નથી.
બીજી બાજુ પૂર્વ સંરક્ષણમંત્રી એકે એન્ટોનીએ કહ્યું છે કે, સરકાર રાફેલ સોદાની કિંમતોને છુપાવી શકે નહીં. કારણ કે, કેગ અને લોકલેખા સમિતિ દ્વારા આમા તપાસ કરવામાં આવનાર છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે ૨૦૦૮માં થયેલા કરારમાં આ બાબતનો કોઇ જગ્યાએ ઉલ્લેખ નથી કે સંરક્ષણ સોદાબાજી સાથે જોડાયેલી વેપારી ખરીદીમાં કિંમતનો ખુલાસો કરી શકાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, રાફેલ સોદાબાજીમાં ગુપ્તતાની જોગવાઈને લઇને સરકાર દ્વારા કરાયેલો દાવો ખોટો છે. દરેક વિમાનની કિંમતને લઇને ખુલાસો કરવાની જરૂર છે.