નોટબંધી બાદથી દેશમાં કેશની તંગી થવી તે સામાન્ય વાત થઇ ગઇ છે. છેલ્લા એક મહિનામાં કેટલીયવાર સાંભળવા મળ્યું છે કે કેશની અછત સર્જાઇ છે. પરંતુ કેન્દ્ર સરકાર તેમજ RBI આ વાતને નકારી રહ્યુ છે. આરબીઆઇ અનુસાર, સિસ્ટમમાં પર્યાપ્ત માત્રામાં નોટ છે અને નોટનું છાપકામ પણ વધારવામાં આવ્યું છે. જો કે, 2000 રૂપિયાની નોટને લઇને કહેવામાં આવ્યું છે કે તેનું છાપકામ હાલમાં અટકાવી દેવામાં આવ્યું છે. બેન્કર્સનું કહેવું છે કે 100 રૂપિયાની નવી નોટની સંખ્યા અને સપ્લાય બંને બંધ છે. 200 અને 2000 રૂપિયાની જેમ 100 રૂપિયાની નોટનું સપ્લાય પૂરતુ નથી.
મળતી માહિતી અનુસાર, 100 રૂપિયાની મોટાભાગની ચલણી નોટ રદ્દી જેવી થઇ ચુકી છે અને એટીએમમાં નાખવા લાયક રહી નથી. તેમાંની કેટલીય નોટ વર્ષ 2005 પહેલાની છે. બેન્કર્સે પોતાની આ સમસ્યાને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સામે રાખી છે. તેમણે કહ્યુ છે કે આરબીઆઇએ આ સમસ્યા પર ધ્યાન આપવું જોઇએ અને કાર્યવાહી કરવી જોઇએ.
બેન્કર્સનું માનવું છે કે જો 100 રૂપિયાની નવી નોટ બજારમાં નહીં આવે તો તેનાથી 500 રૂપિયાની ચલણી નોટ પર દબાણ વધશે અને લોકો 500ના નોટની સંગ્રહાખોરી કરશે. બેન્કર્સ અનુસાર નોટબંધીના સમયે આરબીઆઇએ 100 રૂપિયાની નોટનું સપ્લાય વધારી દીધું હતું.
નોટબંધી બાદથી કેશની તંગીને દૂર કરવા માટે 100 રૂપિયાના રદ્દી નોટનો વધારે ઉપયોગ થયો હતો. ત્યારથી સિસ્ટમમાં આ નોટ ઉપલબ્ધ છે. હવે બેન્ક માટે આ નોટ સંભાળવી મુસીબત બની રહી છે. કારણ કે આ રદ્દી જેવી નોટને જાહેર કરવી અને એટીએમમાં નાંખવી બંને અઘરું છે. છેલ્લા બે વર્ષમાં 100ની નોટનું ડિસ્પોઝલ લગભગ અડધુ થઇ ગયું છે.