ઇન્ફર્ટિલિટી વિશે વિચારતી વખતે આપણે મોટે ભાગે જૈવિક પાસાંઓ (બાયોલોજિકલ) જ વિચારીએ છીએ, જેમ કે એગ, સ્પર્મ અથવા ગર્ભધારણની પ્રક્રિયા. પરંતુ વાસ્તવિકતા એ છે કે ફર્ટિલિટી એટલી સરળ નથી. ઘણીવાર આપણે એવા યુગલોને જોઈએ છીએ જેમના એગ અને સ્પર્મ સંપૂર્ણ સ્વસ્થ હોય છે, પરંતુ તેઓ તોપણ ગર્ભધારણ માટે સંઘર્ષ કરે છે. તેનું કારણ એ છે કે ઇન્ફર્ટિલિટી ફક્ત શરીર સુધી જ મર્યાદિત નથી, પરંતુ તે મન, રોજબરોજની આદતો અને આપણા વાતાવરણ સાથે પણ જોડાયેલી છે.
સ્ટ્રેસ અને મનનું ભારણ
આપણે ઘણી વખત ધ્યાન ન આપીએ એવું એક મોટું પરિબળ છે – સ્ટ્રેસ. વધુ પડતો સ્ટ્રેસ હોર્મોન્સના સંકેતોમાં ખલેલ પહોંચાડી ઓવ્યુલેશન (અંડોત્સર્જન)માં વિલંબ કરાવી શકે છે અને સ્પર્મ પ્રોડક્શન ઘટાડી શકે છે. પરંતુ આ ભાવનાત્મક દબાણ ત્યાં જ અટકતું નથી. જ્યારે યુગલો મહિનાઓ કે વર્ષો સુધી નિષ્ફળ પ્રયત્નો કરે છે, ત્યારે તેમના પર દબાણ વધતું જાય છે અને પછી ઇન્ટિમેસી (જાતીય સંબંધ) પર અસર પડે છે. નિર્ણય લેવા મુશ્કેલ બની જાય છે અને ભાવનાત્મક સહારો ન હોય તો શ્રેષ્ઠ મેડિકલ પ્લાન પણ કામ નથી કરી શકતા.
જીવનશૈલી, પોષણ અને છુપાયેલા ઝેરી પદાર્થો
ફર્ટિલિટી (પ્રજનનક્ષમતા) પર વજન, આહાર અને ઊંઘ જેવા પરિબળોની ઊંડી અસર પડી શકે છે. ઉદાહરણ તરીકે, ખૂબ જ ઓછું વજન હોવું કે વધારે હોવું, ઓવ્યુલેશન અથવા સ્પર્મના સ્વાસ્થ્યને નિયંત્રિત કરતા હોર્મોન્સમાં ખલેલ પહોંચાડી શકે છે. તેમાં જો રોજબરોજના જીવનમાં પેસ્ટિસાઇડ્સ, પ્લાસ્ટિક્સ અને કોસ્મેટિક્સ જેવા રસાયણોનો સંપર્ક થાય છે, તો તમે સમજી શકશો કે આધુનિક જીવનશૈલી કેવી રીતે જૈવિક પ્રક્રિયાઓને જટિલ બનાવે છે.
મેડિસિન શું મિસ કરી શકે છે
ક્યારેક સ્કેન અથવા ટેસ્ટના રિઝલ્ટમાં જે જોવા મળે છે તે નહીં, પરંતુ જે જોઈ શકાતું નથી તે મહત્વપૂર્ણ હોય છે. હળવો ક્રોનિક સોજો, ગર્ભાશયમાં સૂક્ષ્મ ચેપ, ઓટોઇમ્યુન પ્રતિક્રિયાઓ – આ બાબતો હંમેશા સહેલાઈથી દેખાતા નથી, પરંતુ ઇમ્પ્લાન્ટેશન અથવા ગર્ભના પ્રારંભિક વિકાસને અસર કરી શકે છે. એન્ડોમેટ્રિયલ થાઇકનેસ (ગર્ભાશયના અસ્તરની જાડાઈ) અથવા યુટેરાઇન માઇક્રોબાયોમમાં અસંતુલન જેવી સૂક્ષ્મ સમસ્યાઓ પણ હવે નિષ્ફળ ચક્રોમાં તેમની ભૂમિકા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
“અનએક્સપ્લેઇન્ડ ઇન્ફર્ટિલિટી” હંમેશા સાચું નથી હોતું
“અનએક્સપ્લેઇન્ડ ઇન્ફર્ટિલિટી”નો અર્થ ઘણી વાર ફક્ત “હજુ સમજાયું નથી” એટલો જ હોય છે. આ આપણને યાદ અપાવે છે કે આપણે હજુ શીખી રહ્યાં છીએ અને સારવાર ફક્ત દવાઓ કે પ્રક્રિયાઓથી આગળ જ જાય છે. સાચી ફર્ટિલિટી કેર એટલે ફક્ત ટેસ્ટ રિઝલ્ટ નહીં, પરંતુ સમગ્ર વ્યક્તિને સાંભળવી. કારણ કે આ સફર ફક્ત એગ અને સ્પર્મ વિશે નથી, તે તમારી સંપૂર્ણ માનવતા વિશે છે.