મહિલાઓ અને બાળકો વિરુદ્ધ હિંસક અને યૌન અપરાધોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોર્ટોએ એવા મામલાઓમાં કોઈ નરમાશ દેખાડવી જોઈએ નહીં અને દોષિતોને કડક સજા આપવી જોઈએ. જમ્મુ કાશ્મીર અને લદાખ હાઈકોર્ટે રેપના એક કેસની સુનાવણી કરતા આ ટિપ્પણી કરી. આ સાથે જ જસ્ટિસ મોહનલાલની બેન્ચે જૂન ૨૦૨૧થી જેલમાં બંધ એક આરોપીની જામીન અરીજ પણ ફગાવી દીધી. જેના પર પાડોશીની ૧૦ વર્ષની પુત્રી પર દુષ્કર્મનો આરોપ છે. આરોપીના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે બાળકીની માતાએ રેપની ખોટી કહાની ઘડી હતી. જેના પર હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી. જજે કહ્યું કે કોઈ પણ આત્મસન્માન ધરાવનારી મહિલા રેપની ખોટી કહાની ઘડી શકે નહીં.
કોર્ટે કહ્યું કે કોઈ પણ મહિલા પોતાની સગીર પુત્રીના રેપની ખોટી કહાની ઘડીને પોતાના કેરેક્ટરને શંકાના દાયરામાં લાવી શકે નહીં. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સમાજમાં રેપ સૌથી ધૃષિત અપરાધ છે, જેના પગલે પીડિત પર ઊંડી અસર પડે છે. આથી કોઈ પણ આત્મસન્માન ધરાવતી મહિલા રેપની ખોટી કહાની ઘડી શકે નહીં. બેન્ચે કહ્યું કે શારીરિક ઉત્પીડનના કેસોમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવી ખોટી વાત છે અને જનહિત વિરુદ્ધ છે.
આદેશમાં કહેવાયું કે કોર્ટ એ વાતને નજરઅંદાજ કરી શકે નહીં કે મહિલાઓ અને સગીર બાળકો વિરુદ્ધ ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને કડકાઈથી પહોંચી વળવું પડશે. આવા કેસોમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ કરવી કે આરોપી પ્રત્યે સદ્ભાવ દખાડવાની જરૂર નથી. આવા આરોપીઓને જામીન આપવાથી ન્યાય સામે જ જોખમ પેદા થઈ જશે. કોર્ટ જે કેસની સુનાવણી કરી રહી હતી તેમાં આરોપ છે કે વ્યક્તિએ નજીકમાં એક નળથી પાણી ભરી રહેલી ૧૦ વર્ષની બાળકી પર રેપ કર્યો હતો. ત્યારબાદ તેણે તે બાળકીને ધમકી આપી કે તે કોઈને આ અંગે જણાવે નહીં તો તે તેને મારી નાખશે. જો કે આમ છતાં બાળકીએ એક અઠવાડિયા બાદ તેના પેરેન્ટ્સને આ ઘટના અંગે જણાવ્યું. જો કે આરોપીએ કહ્યું કે બાળકીના પરિજનોએ તેને ખોટી રીતે ફસાવ્યો છે. કારણ કે બંને પરિવારોમાં ઘરની બહાર એક રસ્તાને લઈને કેસ ચાલી રહ્યો છે.