અમદાવાદ : વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં વિસનગર સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે માંગતી હાર્દિક પટેલની રિટ અરજીના કેસમાં આજે રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદીએ મહત્વપૂર્ણ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ વિરૂધ્ધ વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં સક્રિય અને ગંભીર સંડોવણી પુરવાર થાય છે અને તેને લઇ ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠરાવતો કરેલો હુકમ બિલકુલ યોગ્ય અને વાજબી છે.
વળી, લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિકે હાઇકોર્ટ પાસેથી જયાં સુધી રાહત માંગી છે તો એ મુદ્દે સરકારે એવી રજૂઆત કરી હતી કે, સમાજમાં કે લોકોની સેવા કરવા માટે લોકપ્રતિનિધિ બનવાની જરૂર નથી, જા સાચી નિષ્ઠા હોય તો લોકપ્રતિનિધિ બન્યા વિના પણ સેવા કરી શકાય છે. સરકાર તરફથી હાઇકોર્ટને ખાસ અનુરોધ કરાયો હતો કે, અદાલતે હાર્દિક પટેલનો ગુનાહીત ઇતિહાસ પણ ધ્યાને લેવો જોઇએ. ખાસ કરીને તેને કાયદા કે ન્યાયતંત્ર માટે માન નહી હોવાની ઘણી વાતો સામે આવી ચૂકી છે ત્યારે હાઇકોર્ટે તેને કોઇપણ પ્રકારની રાહત આપવી જોઇએ નહી અને તેની હાલની આ અરજી આકરા વલણ સાથે ફગાવી દેવી જોઇએ. સરકાર તરફથી કરાયેલી રજૂઆત હાઇકોર્ટે રેકર્ડ પર લીધી હતી અને કેસની સુનાવણી પૂર્ણ થતાં હવે આવતીકાલે અથવા તો સોમવારે ચુકાદો જાહેર કરાય તેવી શકયતા છે.
હાર્દિક પટેલની અરજીમાં આજે રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, હાર્દિક પટેલને કાયદાનો કોઇ ડર નથી, તેણે ઘણા આંદોલનો કર્યા છે અને કોર્ટમાં આપેલી બાંહેધરી કે શરતોનું પણ પાલન કર્યું નથી. હાર્દિકને મહિલાઓ કે અન્ય સમાજ માટે પણ માન નથી. જન પ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવુ જરૂરી નથી. મહાત્મા ગાંધી કયારેય ચૂંટણી લડયા ન હતા પરંતુ તો પણ તેમણે રાષ્ટ્રપિતા બની દેશની જનતાની સેવા કરી જ હતી. હાર્દિકની સામે રાજદ્રોહ સહિતના ૩૦ કેસો નોંધાયેલા છે. હાર્દિક જયારે બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે અને કોમી વૈમનસ્યનું વાતાવરણ ફેલાવે છે. તો બીજીબાજુ, હાર્દિકના એડવોકેટ તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, તેની સામે આ કેસમાં પુરાવા નહી હોવાછતાં તેને ખોટી રીતે દોષિત ઠરાવી સજા ફરમાવાઇ છે. તેથી હાઇકોર્ટે તેને દોષિત ઠરાવતા હુકમ સામે સ્ટે આપવો જોઇએ કે જેથી તે લોકસભાની ચૂંટણીમાં ભાગ લઇ શકે.
પક્ષકારોની સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટ દ્વારા આ કેસમાં હવે આવતીકાલે અથવા તો સોમવારે ચુકાદો અપાય તેવી શકયતા છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલે રાખી હતી. ઉલ્લેખનીય છે કે, વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં વિસનગર સેશન્સ કોર્ટે હાર્દિકને બે વર્ષની સજા ફટકારી હતી. જા કે, કોર્ટે બે વર્ષની સજા પર તો સ્ટે આપ્યો છે, પરંતુ તેને દોષિત ઠેરવતા આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. જેના કારણે તેને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. આ સંજાગોમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના તેને દોષિત ઠરાવતા હુકમ સામે પણ સ્ટે ફરમાવવો જોઇએ તેવી માંગ હાર્દિક તરફથી કરાઇ હતી.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		