નવી દિલ્હી: દરેક ઘરમાં વિજળી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌભાગ્ય યોજનાનો સૌથી વધુ ફાયદો ઉત્તર પ્રદેશને થનાર છે. આ યોજનાથી ઉત્તર પ્રદેશના આશરે ૧.૬૦ કરોડ ઘરો સુધી વિજળી પહોંચાડવામાં આવશે.
ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના ચેરમેન શૈલેન્દ્ર દુબેના કહેવા મુજબ આ યોજના દેશભરમાં ૪.૫ કરોડ ઘર સુધી વિજળી પહોંચાડવામાં આવનાર છે. આમા આશરે ૪૦ ટકા ઘર એકલા ઉત્તર પ્રદેશમાં છે. કેન્દ્રીય વિજળી ઓથોરિટીના આંકડા મુજબ ઉત્તર પ્રદેશના ૭૧ ટકા ઘરમાં હજુ સુધી વિજળી કનેક્શન નથી.
શૈલેન્દ્ર દુબેના કહેવા મુજબ સરકારની ઉર્જા નીતિમાં ફેરફાર કરવાની જરૂર દેખાઈ રહી છે. આનાથી સસ્તાદરે તમામને વિજળી મળી રહેશે. દેશમાં વિજળી ઉત્પાદન ક્ષમતા ૩.૩૦ લાખ મેગા વોટ છે જ્યારે વિજળીની માંગ ૧.૫૦ લાખ મેગા વોટ છે. ત્યારબાદ પણ કરોડો ઘરોમાં વિજળી નથી.
ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને સૌભાગ્ય યોજનાનું સ્વાગત કર્યું છે સાથે સાથે માંગ કરી છે કે, સફળતા માટે રાજ્ય સરકાર ખાનગી ઘરમાં નિર્ભરતાને ખતમ કરવા જાહેર ક્ષેત્રને મજબૂત કરશે. ઉત્તર પ્રદેશની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ મોટાપ્રમાણમાં વિજળી મળનાર છે. ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ ખુબ જ નિરાશાજનક છે. વિજળીને લઇને સૌભાગ્ય યોજના ખુબ જ આશાસ્પદ દેખાઈ રહી છે.