અમદાવાદ : રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી એવા નીતિન પટેલે આજે અચાનક સરપ્રાઇઝ વીઝીટના ભાગરૂપે ૧૨૦૦ બેડની નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં જે જગ્યાએ આરોપીઓને રાખવામાં આવ્યા હતા, ત્યાં આરોગ્યમંત્રી પહોંચ્યા ત્યારે તેમનો ભેટો મેઘાણીનગરમાં ૨૦ દિવસની બાળકીના હત્યારા સાથે થયો હતો. નીતિન પટેલ આ હત્યારાને જાઇ ખફા થયા હતા અને તેને પૃચ્છા કરી હતી કે, કેમ આટલી માસૂમ બાળકીની હત્યા કરી ? કેમ આ પ્રકારે હત્યા કરે છે? જા કે, નરાધમ અને નફ્ફટ આરોપી તેનો કોઇ સરખો પ્રત્યુત્તર વાળી શકયો ન હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મુલાકાત દરમ્યાન સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે સતત સાથે રહી સમગ્ર હોસ્પિટલની કામગીરી અને આરોગ્ય વિષયક સેવા સહિતના મુદ્દાઓની ઝીણવટભરી માહિતી અને જાણકારી તેમને પૂરા પાડયા હતા. પોતાની મુલાકાત દરમ્યાન નીતિન પટેલે ખુદ કેટલાક દર્દીઓ સાથે વાતચીત કરી તેમની તકલીફો જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો. દરમ્યાન વીએસ હોસ્પિટલ સંકુલમાં ઉભી કરાયેલી અદ્યતન એસવીપી અંગે પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે જણાવ્યું કે, એસવીપીમાં ગંભીર રોગના દર્દીઓ માટેની સારવાર ઉપલબ્ધ બનાવાઇ છે, જ્યારે જૂની વીએસને સંપૂર્ણ ચાલુ રાખવા માટે મેયર અને કમિશનર પ્રયાસ કરી રહ્યા છે. હવે હું ગમે ત્યારે મહિને કે બે મહિને દિવસ અથવા તો રાત્રે સિવિલની ઓચિંતિ મુલાકાત લઈશ. આ સિવાય નીતિન પટેલે હોસ્પિટલમાં ચાલતી કામગીરીનું નિરિક્ષણ કરી કેસ બારી પર દર્દીઓઓ સંબંધિત સ્ટાફને સુધારા કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત સ્ટાફ અને નીતિનભાઈની વાતચીત વચ્ચે કાચ હોવાથી નીતિનભાઈને અવાજ સંભળાતો ન હોવાથી તાત્કાલિક કાચમાં અવાજ આવી શકે તે રીતે કાચ કાપવા જણાવ્યું હતું. તેમજ દર્દીઓના સગાને મળીને હોસ્પિટલમાં કેવી સારવાર મળે છે તે અંગે પૂછપરછ કરી માહિતી મેળવી હતી.
આ સિવાય સારવાર લેવા આવેલી મહિલા દર્દીઓની મુલાકાત લઈ બાળકો અને મહિલાઓને કેવી સારવાર મળે છે, ધક્કા ખાવા પડતા નથીને? મીડિયા સાથે વાતચીત કરતા નીતિન પટેલે જણાવ્યું કે, એક માસમાં જુની હોસ્પિટલનો સમાન શિફ્ટ થયો છે. સ્ત્રી રોગ, બાળ રોગનો વિભાગ શરૂ થઈ ગયો છે. નજીકના ભવિષ્યમાં અલગ અલગ વિભાગ અહીં શિફ્ટ થશે. દર્દીઓ સજા થઈ હસતા હસતા ઘરે જાય તે રીતે વ્યવસ્થા કરવી છે, અત્યાર સુધી ૩૧ હજાર દર્દીઓએ અહીં સારવાર લઈ ચૂક્યા છે. ઓછા વજન વાળા અને ગર્ભમાં બીમાર થયેલા બાળકોનો જન્મ થયો હોય તેની અદ્યતન સારવારની સુવિધા ઉપલબ્ધ થઈ છે.
મેં કેટલીક સૂચનાઓ પણ આપી છે. કેસ બારી પર ગુજરાતી અને હીન્દી બોલી શકે તેવી સુવિધા છે. સર્જિકલ, સુપર સ્પેશિયાલિટી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ જેવા વિભાગો અહિં ટ્રાન્સફર કરવામાં આવશે. મોટી સિવિલ હોસ્પિટલ પર જે ભારણ હતું, તે હવે દૂર થયું છે. જ્યારે અન્ય રાજ્યમાંથી આવનારા દર્દી લગભગ ૫૦ ટકા કરતા વધુ છે. ચાલુ દિવસે એક હજાર દર્દીઓ આવે છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે પણ આરોગ્યમંત્રીએ આપેલી સૂચના અને માર્ગદર્શનની અમલવારી માટે તાબાના સ્ટાફ અને અધિકારીઓને તાત્કાલિક સૂચના જારી કરી દીધી હતી.