હાઈવે પર વાહન લઈને જતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. જો તમે હાઈવે પર ગાડી લઈને જતા હોવ ને ટોલ ટેક્સને લઈને પરેશાન હોવ તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. નીતિન ગડકરીએ ટોલ ટેક્સ પર મોટી જાહેરાત કરી છે. જેની કરોડો વાહન ચાલકો પર અસર પડશે. ગડકરીએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પહેલા દેશમાં ૨૬ ગ્રીન એક્સપ્રેસ વે બનશે અને આ સાથે જ ટોલ ટેક્સ માટે નવા નિયમો પણ જાહેર કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે ગ્રીન એક્સપ્રેસ વે બન્યા બાદ ભારત રસ્તાઓના મામલે અમેરિકાની બરોબરીમાં આવી જશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ટોલ ટેક્સ વસૂલવા માટે નિયમો અને ટેક્નોલોજીમાં મોટો ફેરફાર થશે. સરકાર આવનારા દિવસોમાં ટોલ ટેક્સની વસૂલી માટે ૨ વિકલ્પ આપવા પર પ્લાન બનાવી રહી છે. જેમાં પહેલો વિકલ્પ કારોમાં જીપીએસ પ્રણાલી લગાવવામાં આવી શકે છે. બીજો વિકલ્પ આધુનિક નંબર પ્લેટ સંબંધિત છે. હાલ જો કે તે માટે પ્લાનિંગ ચાલુ છે.
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપતા જણાવ્યું કે ટોલ ટેક્સ ન ભરવા પર કોઈ પણ પ્રકારની સજાની હાલ જોગવાઈ નથી. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આવનારા દિવસોમાં ટોલ ટેક્સની વસૂલી માટે ટેક્નોલોજીના ઉપયોગ ઉપર પણ ભાર મૂકવામાં આવશે. નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે હાલ તો ટોલ ન ભરવા પર કોઈ સજાની જોગવાઈ નથી. પરંતુ ટોલ સંલગ્ન એક બિલ લાવવાની તૈયારી થઈ રહી છે. હવે ટોલ ટેક્સ સીધો તમારા બેંક ખાતામાંથી કપાઈ જશે. આ માટે અલગથી કોઈ કાર્યવાહી નહીં થાય. નીતિન ગડકરીએ જણાવ્યું કે હવે ટોલ ટેક્સની ચૂકવણી નહીં કરવી પડે, કારણ કે તે સીધો તમારા ખાતામાંથી કપાઈ જશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ૨૦૧૯માં, અમે એક નિયમ બનાવ્યો કે કારો કંપની ફિટેડ નંબર પ્લેટ સાથે આવશે. આથી છેલ્લા ચાર વર્ષમાં જે પણ વાહનો આવ્યા છે તેના પર અલગ અલગ નંબર પ્લેટ છે.