વધેલા સરચાર્જને પરત લેવા માટેના સરકારના સાફ સંકેત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈ : બજેટ ૨૦૧૯-૨૦માં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ઉપર વાર્ષિક ૨થી ૫ કરોડ રૂપિયાની આવક ઉપર ઇન્કમટેક્સ ઉપરાંત સરચાર્જ ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરવા અને ૫ કરોડથી વધુની આવક પર સરચાર્જ ૩૭ ટકા કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદથી વિદેશી રોકાણકારો ભારે પરેશાન દેખાઈ રહ્યા હતા. હવે વધારવામાં આવેલા સરચાર્જને પરત લેવાના સંકેત આપવામાં આવ્યા છે.

દેશમાં મૂડીરોકાણ કરનાર એફપીઆઈ ઉપર અથવા તો એસોસિએશન ઓફ પર્સન્સ પર કુલ ટેક્સ વધારીને ૩૯ ટકા અને ૪૨.૭૪ ટકા થઇ ગયો છે. હવે કેન્દ્ર સરકાર વધારી દેવામાં આવેલા સરચાર્જને પરત લવાનો સંકેત આપ્યો છે. જેના અહેવાલ આવ્યા બાદ શેરબજારમાં તેજીનું મોજુ ફરી વળ્યું હતું. સરકાર નોટિફિકેશન અથવા તો વટહુકમ મારફતે ફોરેન પોર્ટફોલિયો પર સરચાર્જને પરત લઇ શકે છે. જા સરકાર આ નિર્ણય માટે વટહુકમ લાવે છે તો આને આગામી સત્રમાં મંજુરી અપાવી દેવી પડશે.

પીએફ ઓફિસની સાથે નાણામંત્રાલયની બેઠક બાદ આ અંગેનો નિર્ણય કરવામાં  આવનાર છે. સરચાર્જ દૂર કરવાથી સરકારને માત્ર ૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે. આવી જ રીતે શેરબજારમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર એલટીસીજીની સમીક્ષા કરવા ઉપર વિચારણા કરી રહી છે. કેન્દ્રીય નાણામંત્રાલય ત્રણ વર્ષમાં હોલ્ડિંગ પિરિયડ બાદ એલટીસીજીને દૂર કરવાને લઇને સમીક્ષા કરી રહી છે. એલટીસીજીમાં બજેટ ૨૦૧૮માં લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો.

 

Share This Article