નિર્જળા – ભીમ એકાદશીઃ
જેઠ માસમાં શુકલ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી – ભીમ એકાદશી કહેવામાં આવે છે. આ જેઠ સુદ એકાદશીના રોજ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તેનું મહત્વ એવું છે કે આ દિવસે ભીમે પણ એકાદશી કરી હતી. ભીમ એકાદશી કરવા માટે અસમર્થ હતો છતાં તેણે આ એકાદશી કરી હતી. – તેમ કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું.
નિર્જળા – ભીમ એકાદશી ફળઃ
પદ્મ પુરાણમાં ભમ એકાદશી એટલે નિર્ળા કરવાનો મહિમા વર્ણવતા કહેવામાં આવ્યું છે કે આ એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર, સદા અસત્ય બોલનાર આદિ અનેક મહાપાપોથી મુક્તિ મળે છે. ભીમ એકાદશી કરવાથી મેરુ અને મંદરાયળ પર્વત જેવા મોટા પાપનો કોઇ માણસ પર્વત હોય, તો પણ તેના પાપ નાશ પામી જાય છે. આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.
નિર્જળા – ભીમ એકાદશીની શાસ્ત્રોક્ત કથાઃ
એક વખત ભીમે મહર્ષિ વ્યાસને કહ્યું કે યુધિષ્ઠિર, કુંતી દેવી, દ્રોપદી, અર્જુન, નકુલ, સહદેવ એ બધા એકાદશીના દિને ભોજન કરતા નથી અને તેઓ મને પણ તેમ કરવું કહે છે, પરંતુ હું ભૂખ્યો રહી શકતો જ નથી. તો વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો.
ત્યારે મહર્ષિ વ્યાસે કહ્યું કે તારે સ્વર્ગમાં જવુ હોય અને નરકમાં જવુ હોય તો બારે માસની ૨૪ એકાદશી કરવી જ પડશે.
ત્યારે ભીમે કહ્યું કે હે પિતામહ, હું એકવાર પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી. તો હું ઉપવાસ કેવી રીતે કરું? મારા જઠરમાં વૃક્ નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે. બહુ જ ખોરાક ખાઉં ત્યારે જ શાંત થાય છે. તેથી બહુ-બહુ તો વર્ષમાં એક ઉપવાસ કરી શકું. તો તમે મને એ કહો કે કયા માસમાં કઇ તિથિએ ઉપવાસ કરું.. તો મારુ કલ્યાણ થાય.
આ વિશે મહર્ષિ વ્યાસે કહ્યું કે જેઠ માસમાં શુક્લ પક્ષની એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો, પાણી પણ પીવુ નહિ અવી રીતે ઉપવાસ કરવાથી બારોમાસની ૨૪ એકાદશીનું ફળ મળે છે. તો તારે એ રીતે આ એકાદશી એ ઉપવાસ કરવો અને બાલસના દિવસે સ્નાનાદીક કરીને, બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરીને ભોજન કરાવવું. પછી તારે ભોજન કરવું એમ વ્રત કરીશ તો તને ૨૪ એકાદશીનું ફળ મળી જશે.
આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસાર આ રીતે ભીમે અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી તેનું નામ ભીમ એકાદશી પડ્યું છે અને તેને નિર્જળા એકાદશી કહેવાય છે.
શનિવાર ૨૩ જુનના રોજ જેઠ માસમાં નિર્જળા ભીમ એકાદશી હોવાથી પૂર્ણ શ્રી સ્વામિનારાયણ -કુમકુમ- મંદિર મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં આ પ્રસંગે સવારે પઃ૩૦ થી ૬:૩૦ સમૂહ પ્રાર્થના, ધૂન, સામૂહીક પૂજા યોજાશે. સવારે ૭:૦૦ કલાકેથી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાક્ષીની વાતોનું પઠન કરવામાં આવશે. સાંજે ૭:૦૦ કલાકે આરતી, શ્લોક મહિમાગાન, એકાદશીના પદોને ગાઇને ઔચ્છવ કરવામાં આવશે.