કૌભાંડી નિરવ મોદી હાલમાં બ્રિટનમાં છેઃ હેવાલમાં દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા બેંકિંગ કોંભાડને અંજામ આપીને દેશની બહાર ફરાર થઇ ગયેલા કુખ્યાત નીરવ મોદી હાલમાં બ્રિટનમાં હોવાના હેવાલ મળ્યા છે. સીબીઆઇના અધિકારીઓએ કહ્યુ છે કે બ્રિટન તરફથી પણ આવા હેવાલને સમર્થન આપ્યુ છે. ફરાર થયેલા અબજોપતિ આરોપી અને જ્‌વેલર નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે હવે અપીલ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે સરકારી બેંકો પાસેથી નવ હજાર કરોડ રૂપિયા લઇને તે બેંકોને પરત આપી રહ્યો નથી.

શરાબ કારોબારી વિજય માલ્યા પણ હાલમાં બ્રિટનમાં જ છુપાયેલો છે. પંજાબ નેશનલ બેંક કોંભાડના આરોપી મેહુલ ચોકસી હાલમાં એન્ટીગુઆમાં છે. તે રોકાણ મારફતે ત્યાંની નાગરિકતા હાંસલ કરી ચુક્યો છે. મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. પીએનબી કોંભાડનો પર્દાફાશ થતા પહેલા નીરવ મોદી અને મેહુલ ચોકસી આ વર્ષે જાન્યુઆરીમાં દેશ છોડીને જતા રહ્યા હતા. બંને આરોપીને ભારત પરત લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકની સાથે ૧૪૬૦૦ કરોડ રૂપિયાના કોંભાડમાં બંને આરોપી રહેલા છે. આ મામલો ખુબ સંવેદનશીલ છે. નિરવ મોદીના મામલામાં સીબીઆઇ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.

સીબીઆઈના અધિકારીઓના કહેવા મુજબ બ્રિટનના સત્તાવાળાઓ દ્વારા પણ અહેવાલને સમર્થન આપી દેવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું છે કે, સીબીઆઈએ આજે કેન્દ્રીય ગૃહમંત્રાલયને પ્રત્યાર્પણ વિનંતી મોકલી દીધી છે. બીજી જુલાઈના દિવસે ઇન્ટરપોલ દ્વારા નિરવ મોદી સામે રેડકોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. મની લોન્ડરિંગના આરોપો હેઠળ આ રેડકોર્નર નોટિસ જારી કરાઈ હતી. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગના આરોપો કરવામાં આવ્યા હતા. ઇડીએ ૨૪ અને ૨૬મી મેના દિવસે મેહુલ ચોક્સી અને મોદી સામે ચાર્જશીટ અથવા તો પ્રોસીક્યુશન ફરિયાદો દાખલ કરી હતી.

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિરવ મોદી અને ચોક્સી પરિવારના સભ્યો સાથે ભારતથી ફરાર થઇ ગયા હતા. કૌભાંડના સંદર્ભમાં સીબીઆઈને માહિતી આપવામાં આવે તે પહેલા આ ફરાર થઇ ગયા હતા. નિરવ મોદીની પત્નિ અમેરિકી નાગરિક છે. નિરવ મોદીની પત્નિ છઠ્ઠી જાન્યુઆરીના દિવસે ભારતમાંથી ફરાર થઇ ગયા હતા, જ્યારે ચોક્સી ચોથી જાન્યુઆરીના દિવસે ફરાર થયા હતા.

Share This Article